કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂઃ પદ્મિનીબાની ગેરહારજરીમાં નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન

રાજકોટ, 24 એપ્રિલ 2024, લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ-2 શરૂ કર્યું છે. આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનોએ ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ 200 ગામડાં ફરશે. રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌપ્રથમ અન્નત્યાગ પર ઊતર્યાં હતાં એ પદ્મિનીબા વાળાની ગેરહાજરી વર્તાઈ હતી.

ઉત્તર ગુજરાતમાં ધર્મરથ અંબાજીથી આવતીકાલે પ્રસ્થાન થશે
ધર્મરથના પ્રસ્થાન સમયે ‘ક્ષત્રિય એકતા ઝિંદાબાદ’, ‘નારી કા અપમાન નહીં સહેંગે’, ‘જય ભવાની’ સહિતના નારા લાગ્યા હતા. આ ધર્મરથ 200થી વધુ ગામડાંમાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વરણના લોકોને સત્તાપક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે.ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો ધર્મરથ એ કોઈ સામે પડકાર માટેની લડત નથી. ભારતમાં જે રીતે નૈતિકતાનું અધઃપતન થઈ રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે આ ધર્મરથ ગામેગામ ફરશે. ક્ષત્રિય સમાજ તેમજ અન્ય વર્ગોને 100 ટકા મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે. અમારો મુદ્દો સત્તાપક્ષ સમજી રહ્યો નથી, જેથી તેનાની વિરુદ્ધમાં મતદાન કરવું અને સક્ષમ ઉમેદવારને મત આપવો.જામનગરમાં દ્વારકાથી તો કચ્છમાં આશાપુરા માતાજીના મઢથી ધર્મરથનું પ્રસ્થાન થઈ રહ્યું છે.રાજકોટમાં આજે તો ઉત્તર ગુજરાતમાં ધર્મરથ અંબાજીથી આવતીકાલે પ્રસ્થાન થવાનો છે.

ગુજરાતમાં રાજકોટ સહિત 7 જગ્યાએથી ધર્મરથ નીકળી રહ્યો છે
રાજકોટનાં પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકોટ સહિત 7 જગ્યાએથી ધર્મરથ નીકળી રહ્યો છે. રાજ્યની તમામ લોકસભા બેઠક પરથી ક્ષત્રિય સમાજનો ધર્મરથ નીકળવાનો છે. ગામડાંમાં ક્ષત્રિય સમાજનું એક ઘર હોય તોપણ તમામ લોકોએ ખાતરી આપી છે કે બાપુ અમે તમારી સાથે છીએ, કારણ કે ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ તમામ સમાજની બહેન-દીકરીઓ છે.જો પુરુષોતમ રૂપાલાએ એમ કહ્યું હોય કે દેશને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્ષત્રિય સમાજની જરૂર છે તો રૂપાલાએ બતાવવું જોઈએ. રૂપાલાની ટિકિટ રદ કરવાની એકમાત્ર માગ સ્વીકારવામાં ન આવતાં અમારે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ફરજ પડી છે. બાકી 80 ટકા ક્ષત્રિય ભાજપની સાથે રહ્યા છે.ભાજપમાં રહેલા ક્ષત્રિયો સિવાય ક્ષત્રિય સમાજનો એકપણ દીકરો ભાજપને મતદાન નહીં કરે એવો વિશ્વાસ છે. એવી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે કે સંકલન સમિતિએ સરકાર સાથે સમાધાન કરી લીધું, પરંતુ એવું કંઈ જ નથી. આ સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજનો અવાજ છે.

આ પણ વાંચોઃ પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ ગેનીબેનને મમતા બેનર્જી સાથે સરખાવ્યા

Back to top button