અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં, સી.આર. પાટીલે કહ્યું, મોટું મન રાખી રૂપાલાને માફ કરો

Text To Speech

અમદાવાદ, 02 એપ્રિલ 2024, રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે.આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું હતું કે, બે હાથ જોડી વિનંતિ છે, ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે, ઉમેદવારી પાછી ખેંચાવવા વિચારણા નથી કરી.

 

રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી
અમદાવાદમાં બત્રીસી ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઇ હતી. આ રેલીમાં 1 હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા. કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ​​​​​​લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે. વિરોધ વધતાં ગાંધીનગર ખાતે સી.આર. પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી.

ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે
આ બેઠક બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે,પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટીપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે. ત્રણ વખત માફી માગી છતા રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માગી છે તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે.પાટીલે આગળ કહ્યું કે, ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેના માટે પ્રયત્ન કરશે.

આ પણ વાંચોઃરાજકોટમાં નવાજૂનીના એંધાણઃ મોહન કુંડારિયા રૂપાલાના ડમી ઉમેદવાર બને તેવી અટકળો

Back to top button