કોલકાતા એરપોર્ટ પર આગ, તમામ મુસાફરોનો આબાદ બચાવ
કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે આગ લાગી હતી. એરપોર્ટના અધિકારીઓ ટર્મિનલની અંદરથી તમામ મુસાફરોને બહાર કાઢવા પહોંચ્યા બાદ ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. લગભગ 9.12 વાગ્યે આગ લાગી હતી, જે બાદ મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું નિવેદન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ (NSCBI) એરપોર્ટ કોલકાતા ચેક-ઈન એરિયા પોર્ટલ D પર રાત્રે લગભગ 9.12 વાગ્યે આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. રાત્રે 9.40 વાગ્યા સુધીમાં તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો. તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ચેક-ઈન વિસ્તારમાં ધુમાડાની હાજરીને કારણે પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે. કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે.