- રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડયાં
- કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હજુ કાતિલ ઠંડીનો વર્તારો
- જૂનાગઢમાં ઠંડીમાં ઠુંઠવાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું
ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી પડી રહી છે. જેમાં નલિયામાં 9.6, રાજકોટમાં 12.6 અને ડીસામાં 13.2 ડિગ્રી તાપમાન છે. તેમજ અમદાવાદ શહેરમાં ઠંડીનું જોર ઘટયું છે અને તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઉચકાતાં ઠંડીનું જોર ઘટી ગયું છે. બીજી તરફ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હજુ કાતિલ ઠંડીનો વર્તારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સ્કૂલોના પાપે સહાયથી વંચિત
જૂનાગઢમાં ઠંડીમાં ઠુંઠવાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું
જૂનાગઢમાં ઠંડીમાં ઠુંઠવાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયુ છે, જ્યારે ડિસામાં 13.2 અને રાજકોટમાં 12.6 ડિગ્રી તાપમાન નોધાયુ છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ઉચકાઈને 17 ડિગ્રીએ પહોંચ્યુ છે. શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું રહેતા દિવસ ઠંડો રહ્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા 42 વર્ષિય ગૌરવ માકડિયા દાખલ કરાયો હતો, પરંતુ રાતના સમયે ગૌરવ રજા લીધા વગર બહાર નીકળી ગયેલ અને સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની સામે આવેલા એક ઓટલા ઉપર સૂતેલો અને મૃત હાલતમાં મળી આવ્યો હતો, જેમાં યુવકનું મોત ઠંડીના કારણે અથવા બીમારી સબબ મોત થયાનું અનુમાન છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો પેડલર પકડાયો, હવે ખુલશે માફિયાઓના પત્તા
સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડયાં
સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડયાં છે. સુરતના ઓલપાડ, કીમ સહિતના વિસ્તારમાં તેમજ ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદ્પુર અને દાહોદ જિલ્લામાં તેમજ ભાવનગરના તળાજામાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ભારે નૂકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. સંખેડામાં 17 મિ.મિ વરસાદ પડતાં કપાસ, તુવેર જેવા પાકોને નુકસાન થવા પામ્યું હતું.