ગુજરાતમાં જાણો કેમ ગરમીથી આંશિક રાહત મળી, અમદાવાદમાં તાપમાન 38.5 ડિગ્રી
- હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી
- દાહોદ, બનાસકાંઠા, છોટા ઉદેપુરના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો
- ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન રહ્યું છે
ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં અમદાવાદમાં તાપમાન 38.5 ડિગ્રી થયુ છે. તેમજ રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું છે. તથા ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેતા રાહત થઇ છે. ગઇકાલે ભર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં લીંબડી, વરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે દાહોદમાં વરસાદ શરૂ થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અગાઉ હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી.
આ પણ વાંચો: ગ્રાહકોને મફત પાણી ન આપવા બદલ રેસ્ટોરન્ટને કોર્ટે રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો
ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન રહ્યું છે
ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરેન્દ્રનગરમાં 40.8, રાજકોટ 40.3 ડિગ્રી તથા ડીસામાં 39.6 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન છે. તેમજ અમદાવાદમાં 38.5, કંડલા 38.7 ડિગ્રી, વડોદરામાં 38.8, મહુવામાં 38.6 ડિગ્રી સાથે સ્થાનિકો ગરમીમાં શેકાયા છે. હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું આગમન થયું છે. જેના કારણે ભર ચૈત્રે અષાઢી માહોલ જામ્યો છે. જેના કારણે એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યાં બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી રહી છે.
દાહોદ, બનાસકાંઠા અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો
દાહોદ, બનાસકાંઠા અને છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં ઉનાળામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના વચ્ચે છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને અંબાજી, ભાણપુર અને હડાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન પહોંચ્યું છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે.