- ઉત્તર તરફ થતી હિમવર્ષાને પગલે વધી ઠંડી
- નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે
- અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તર તરફ થતી હિમવર્ષાને પગલે ઠંડી વધી છે. કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો ચમકારો વધ્યો છે, નલિયામાં 8.5 જ્યારે ડીસામાં 9.8 ડિગ્રી સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.
જિલ્લામાં મોડી સાંજે ઠંડા પવન ફૂંકાતાં ઠંડીમાં વધારો થયો
રાજ્યના વિવિધ શહેર જિલ્લામાં મોડી સાંજે ઠંડા પવન ફૂંકાતાં ઠંડીમાં વધારો થયો હતો. બીજી તરફ રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહમાં ગુજરાતમાં માવઠું કે જોરદાર પવન સાથે વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, કંડલામાં 11.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 19.0 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 13.4 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 18.0 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.
જોરદાર ઠંડીનો અહેસાસ થાય તેવો વર્તારો નથી
રાજ્યમાં આગામી સપ્તાહમાં માવઠાની કોઈ શક્યતા નથી. ડીસા અને આસપાસના પંથકમાં ગુલાબી ઠંડીમાં વધારો થયો છે, ડીસામાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે, ઠંડીના લીધે લોકો રીતસર ઠુંઠવાઈ ગયા હતા. ગુજરાતમાં શિયાળાની સિઝનમાં સૌથી વધુ ઠંડી નલિયા અને ડીસામાં પડતી હોય છે, ઠંડીની શરૂઆત થતાં તાપમાનમાં ઘટાડો થયો છે. વહેલી સવારે ફુંકાતા ઠંડા પવનના કારણે લોકો ધ્રૂજી ઊઠયા હતા. રાજ્યના હવામાન ખાતાના કહેવા પ્રમાણે અમદાવાદ શહેરમાં 16.5 તાપમાન નોંધાયું છે, આગામી પાંચેક દિવસ સુધી અમદાવાદમાં 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, એકંદરે બપોરના સમયે ઠંડી વધે તેવી કોઈ શક્યતા નથી. રાજ્યમાં વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડી જેવું વાતાવરણ રહેશે, દિવસે જોરદાર ઠંડીનો અહેસાસ થાય તેવો વર્તારો નથી.