જાણો કેમ ગુજરાતમાં અચાનક વધી રહી છે ગરમી, હવામાન વિભાગે કરી આગાહી
- વડોદરા, સુરત, અમરેલીમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન
- 8 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીથી વધુ નોંધાયું
- પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન વધ્યું
ગુજરાત રાજ્યમાં સવારથી જ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થઇ રહ્યો છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ત્યારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. તેમજ 8 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવે બિનખેડૂત ખેતીની જમીન લઈ શકશે, જાણો કેવી રીતે
વડોદરા, સુરત, અમરેલીમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન
વડોદરા, સુરત, અમરેલીમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન છે. તથા રાજ્યમાં પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે. તથા રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવામાં પણ 36 ડિગ્રીથી વધુ તાપમાન રહેતા લોકો ગરમીમાં શેકાઇ રહ્યાં છે. અમદાવાદ, ડીસામાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું તથા ગાંધીનગરમાં 35.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન વધ્યું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે સીઝનમાં પ્રથમ વખત હાલમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ,અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ,સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં આવનારા 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
સવારથી જ જાણે કે સૂર્યદેવતા પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દે છે. શહેરીજનો બપોરના સમયે બહાર નીકળવામાં થોડી મુશ્કેલી અનુભવી રહ્યા છે. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી પણ કરી છે. આ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આવનારા 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે.