અમદાવાદગુજરાતચૂંટણી 2024

જાણો આ ચૂંટણીમાં કોણ કોણ કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન?

અમદાવાદ, 21 માર્ચ 2024, લોકશાહીમાં દરેક મત મહત્વનો છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે સમાજના તમામ વર્ગો સુગમપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનયમ-1951 ની કલમ-60(C) અન્વયે મતદાનના દિવસે આવશ્યક સત્તાવાર ફરજોને કારણે મતદાન કરી શકે તેમ ન હોય તેવા મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા આપવામાં આવી છે.

ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવતા કર્મચારીઓ કે જેઓ મતદાર યાદીમાં નોંધાયેલા છે અને જેમને મતદાનના દિવસે તેમની આવી આવશ્યક સત્તાવાર ફરજોને કારણે ફરજ પર હોવાનું પ્રમાણિત કરવામાં આવશે અને મતદાનના દિવસે તેઓ મતદાન માટે મતદાન મથકમાં હાજર રહી શકશે નહીં ફકત તેવા જ મતદારો આવશ્યક સેવા શ્રેણીમાં ગેરહાજર મતદારો તરીકે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. તેમની અરજી સંબંધિત સંસ્થા દ્વારા નિયુક્ત નોડલ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલી હોવી જરૂરી છે.

મતદાનની તારીખો અને સમયની જાણ કરવામાં આવશે
પોસ્ટલ બેલેટની સુવિધા માંગતી આવી અરજી સંબંધિત ચૂંટણીની જાહેરાતની તારીખથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી પાંચ દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવી જોઈશે. ચૂંટણી અધિકારી આવા મતદારોને પોસ્ટલ બેલેટ પેપર આપવા અને મતદાન કરવા માટે પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) તરીકે યોગ્ય સ્થળ નકકી કરશે. આવશ્યક સેવાઓની કક્ષા માટે અરજી કરનાર લાયક તમામ વ્યક્તિઓને પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC)નું સંપૂર્ણ સરનામું, મતદાનની તારીખો અને સમયની જાણ કરવામાં આવશે.

કાર્યવાહી જોવા માટે એજન્ટોની નિમણૂક કરી શકે
જ્યાં ફોર્મ-12D માં મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો મોબાઇલ નંબર ઉપર અને અન્ય કિસ્સામાં પોસ્ટ અને/અથવા BLO દ્વારા આ અંગેની જાણ કરવામાં આવશે. મતદારોને નિર્ધારિત કરેલા ત્રણ દિવસ પૈકી કોઈપણ દિવસે નિર્ધારિત કલાકો દરમિયાન મત આપવા આવી શકશે. તેઓએ તેમની સાથે પોતાનું સેવા ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની મંજૂરી આપવામાં આવી છે, તેઓ નિર્ધારિત કરેલા પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) પર જ મતદાન કરી શકશે, અન્ય કોઈ રીતે મતદાન કરી શકશે નહીં. સંબંધિત મતવિભાગના હરિફ ઉમેદવારોને પણ આ અંગે અગાઉથી જાણ કરવામાં આવશે કે જેથી તેઓ ઇચ્છે તો, PVC માં કાર્યવાહી જોવા માટે એજન્ટોની નિમણૂક કરી શકે.

આ પણ વાંચોઃરાહુલ ગાંધીને રાજકીય જ્ઞાન તો નથી જ કાયદાનું જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું છેઃ ભાજપ

Back to top button