ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જાણો કયા પાકને સૌથી વધુ નુકસાન થયુ
- ઉત્તર ગુજરાતમાં એરંડાના છોડ ભાંગી ગયા અને ફ્ળ ખરી પડયા
- અત્યાર સુધીમાં શિયાળુ પાકનું સિઝનનું સરેરાશ 26% વાવેતર
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ અને કરા પડવાના કારણે નુકસાની
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે એરંડામાં સૌથી વધુ નુકસાની થઇ છે. તેમજ કપાસમાં ક્વોલિટી બગડવાની શક્યતા છે. તથા જીરું, ધાણામાં વાવેતર ઓછુ થયું હોવાથી માવઠાથી મોટા નુકસાનની સંભાવના ઓછી છે. પવન સાથે વરસાદ પડતા ઉત્તર ગુજરાતમાં એરંડાના છોડ ભાંગી ગયા અને ફ્ળ ખરી પડયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં અમદાવાદ પ્રથમ નંબરે, જાણો બીજા પર કયુ શહેર
અત્યાર સુધીમાં શિયાળુ પાકનું સિઝનનું સરેરાશ 26% વાવેતર
ગુજરાતમાં અત્યાર સુધીમાં શિયાળુ પાકનું સિઝનનું સરેરાશ 26% વાવેતર છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે સોમવારે ગુજરાતમાં કમોસમી વરસાદ પડયો હતો અને તેના કારણે કપાસ અને એરંડાના પાકને વ્યાપક નુકસાની ગઈ છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ આવવાથી ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એરંડાના છોડ ભાંગી ગયા હતા અને અમુક જગ્યાએ દાણા ખરી પડયા છે. આ ઉપરાંત કપાસમાં ઉભા પાકમાં વરસાદ પડવાથી ફૂલમાં બગાડ થવાની સંભાવના છે જેના કારણે કોટનની ક્વોલિટી બગડશે. જોકે, જીરું, ઘઉં, ધાણા, મકાઈ સહિતના શિયાળુ પાકમાં વાવેતર હજુ શરુ થયું હોવાથી નહિવત નુકસાની છે.
આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓનું બજેટ વઘ્યું, માવઠાથી સિંગતેલના ભાવ વધ્યા
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ અને કરા પડવાના કારણે નુકસાની
એરંડાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, એરંડાના સૌથી મોટા ઉત્પાદક વિસ્તાર ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પાકને નુકસાન ગયું છે. ભારે પવન સાથે વરસાદ આવવાથી અનેક ખેડૂતોના છોડ પડી ગયા છે અને તૂટી પણ ગયા છે. વધુ પવનના કારણે એરંડામાં ફૂલ નીકળ્યા હતા તે ખરી ગયા છે એટલે નુકસાની વધશે. જે ભાગમાં પાક નામી ગયો છે તેની ક્વોલિટી નબળી પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ અને કરા પડવાના કારણે આવી જ સ્થિતિ જોવા મળી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે ઠંડીમાં વધારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર
એક સપ્તાહ સુધી કપાસ, કપાસિયા અને રૂમાં ભાવ વધશે
કપાસના ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડયો છે. આ ઉપરાંત અમુક જગ્યાએ કરા પણ પડયા છે. આ સ્થિતિમાં કપાસના ઉભા છોડમાં વરસાદી પાણી પડવાથી કપાસના ફૂલમાં બગાડ આવી શકે છે. આ સ્થિતિમાં કપાસની ગુણવત્તા બગડવાની સંભાવના છે. વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવક ઓછી થઇ છે. આ સ્થિતિમાં એક સપ્તાહ સુધી કપાસ, કપાસિયા અને રૂમાં ભાવ સામાન્ય વધી શકે છે.