US પ્રમુખ જો બાઈડને રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પની અયોગ્યતા પર શું કહ્યું, જાણો ?
- તેમાં કોઈ શંકા નથી કે ડોનાલ્ડ ટ્રમ્પે કેપિટોલ હિલ્સ હિંસાને સમર્થન આપ્યું : જો બાઈડન
- કોર્ટ પર નિર્ભર કરે છે કે તેમને રાષ્ટ્રપતિ પદ માટે ગેરલાયક ઠેરવવા કે નહીં : US પ્રમુખ
વોશિંગ્ટન ડીસી, 21 ડિસેમ્બર : અમેરિકામાં આવતા વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન કોલોરાડો કોર્ટ દ્વારા એક મોટો નિર્ણય આપવામાં આવ્યો છે, જે મુજબ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં. કોર્ટે તેમને આ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. જેને લઈને US પ્રમુખ જો બાઈડને મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, તેમાં કોઈ શંકા નથી કે ટ્રમ્પે કેપિટોલ હિલ્સ(યુએસ સંસદ) હિંસાને સમર્થન આપ્યું છે. પરંતુ હવે તે કોર્ટ પર નિર્ભર કરે છે કે તેમને રાષ્ટ્રપતિ પદ માટે ગેરલાયક ઠેરવવા કે નહીં. હકીકતમાં, ટ્રમ્પ પાસે હવે દેશની સૌથી મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટમાં જવાનો એક જ રસ્તો બચ્યો છે. તેઓ ત્યાં આ નિર્ણય સામે અપીલ દાખલ કરી શકે છે.
ટ્રમ્પ પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો ?
અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હજુ પણ કોલોરાડો કોર્ટના આદેશને પલટાવવાનો સમય છે. તેઓ કોલોરાડો કોર્ટના નિર્ણય સામે દેશની સર્વોચ્ચ અદાલત 4 જાન્યુઆરી સુધીમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. દરમિયાન, ટ્રમ્પ સમર્થકોએ કહ્યું છે કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
કોલોરાડો કોર્ટનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: રિપબ્લિકન નેતા
આ દરમિયાન, રિપબ્લિકન નેતા અને ટ્રમ્પના સાથી માઈક જોન્સને કોલોરાડો કોર્ટના આ નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અમને વિશ્વાસ છે કે અમેરિકી સુપ્રીમ કોર્ટ આ નિર્ણયને રદ કરશે. અમેરિકાના લોકો આગામી રાષ્ટ્રપતિ નક્કી કરશે. સાથે જ રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીએ કોર્ટના નિર્ણયને ચૂંટણીમાં હસ્તક્ષેપ ગણાવ્યો છે.
બંધારણની આ કલમનો પ્રથમ વખત ઉપયોગ
કોલોરાડોની કોર્ટે વ્હાઇટ હાઉસની રેસ માટે રિપબ્લિકન પાર્ટીના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિની પ્રાથમિક મતદાનમાંથી દૂર કર્યા છે. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યો હોય. કોલોરાડો હાઈકોર્ટે તેના 4-3ની બહુમતી ધરાવતાં નિર્ણયમાં કહ્યું કે, મોટાભાગની કોર્ટ માને છે કે ટ્રમ્પ 14મા સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે.
કોર્ટના તમામ ન્યાયાધીશોની નિમણૂક ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કરવામાં આવી
અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નિર્ણય આપનાર અમેરિકન કોર્ટના તમામ ન્યાયાધીશોની નિમણૂક ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરો દ્વારા કરવામાં આવી હતી. કોલોરાડો સ્ટેટની હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજના નિર્ણયને પલટીને આ આદેશ આપ્યો હતો. નીચલી અદાલતે કહ્યું હતું કે, ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ્સ (યુએસ સંસદ) પર હુમલા માટે ટોળાને હિંસા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ટ્રમ્પને આ કારણોસર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાથી રોકી શકાય નહીં. કારણ કે તે સ્પષ્ટ નથી કે બંધારણની કલમ રાષ્ટ્રપતિ પદને આવરી લે છે.
આ પણ જુઓ :ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડી શકે