કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શું છે વરસાદની સ્થિતિ, જાણો

  • મુશળધાર વરસાદે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જી

રાજકોટ, 28 ઓગસ્ટ: ગુજરાતમાં વરસાદી ઈમરજન્સી ચાલી રહી છે. રેકોર્ડબ્રેક વરસાદને કારણે હવામાન વિભાગે ગુજરાતના 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુશળધાર વરસાદે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જી હતી. રાજકોટ શહેરમાં ચામાસાના બે મહિના વિત્યા બાદ આખરે મેઘમહેર શનિવાર મોડી રાતથી થઈ હતી અને માત્ર 61 કલાકમાં અધધ 25 ઈંચ વરસાદ ખાબકી ગયો. આ કારણે જનજીવન થંભી થયું હતું. આ રીતે સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ચાર દિવસથી સાંબેલાધારથી લઈને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

 

હવામાન વિભાગે 28 અને 29 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. નદીઓ ખતરાના નિશાનને પાર કરવા અને વિનાશ સર્જવા આતુર છે. રહેણાંક વિસ્તારો ટાપુઓમાં ફેરવાઈ ગયા છે. મુશળધાર વરસાદ બાદ અનેક ફૂટ સુધી પાણી ભરાઈ જવાથી લોકોને ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી છે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્ર-કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ છે. અમરેલી, ગીર-સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે. આણંદ, સુરત, તારી, નર્મદામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

પૂરની સ્થિતિને પહોંચી વળવા ગુજરાત સરકારે કરેલી તૈયારીઓ

ગુજરાત સરકારે તાજેતરના ભયંકર પૂરથી અસરગ્રસ્ત અનેક જિલ્લાઓમાં તાત્કાલિક પૂર રાહત કામગીરી માટે છ આર્મી કોલમની માંગ કરી છે. જેને પગલે તંત્ર દ્વારા એક કોલમ મોરબી જિલ્લા માટે તેમજ બે કોલમ આણંદ-ખેડા જિલ્લા માટે રવાના કરવામાં આવી છે. તો બે કોલમ દ્વારકા અને રાજકોટ જિલ્લા માટે મોકલવામાં આવી છે, અન્ય એક કોલમ વડોદરા જિલ્લા તરફ આગળ વધી રહી છે.

જરૂરી માનવબળ, તબીબી અને ઇજનેરી ઉપકરણોથી પર્યાપ્ત રીતે સજ્જ આ કોલમોને એકત્રિત કરવામાં આવી છે અને સક્રિયપણે તેમના સંબંધિત સ્થળોએ જવા રવાના થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોને ઝડપી પ્રતિસાદ, બચાવ અને રાહત તથા સહાય સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર – 1 ડેમ ઓવરફલો

રાજકોટમાં આવેલો સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર – 1 ડેમ ઓવરફલો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી 50,362 ક્યુસેક પાણીની આવક થઇ છે. ભાદર – 1 ડેમના 26 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે. ડેમના 26 દરવાજા ખોલીને 50,362 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે. ડેમ ઓવરફલો થતા નીચાણવાળા ગામોને તંત્રે એલર્ટ કર્યા છે. નદીના પટમાં અવરજવર નહિ કરવા તંત્રની સૂચના છે.

આ વિપદાની સ્થિતિમાં માનવતાના કાર્યો

રાજકોટમાં વરસાદના પગલે એક સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી હતી. જેને અત્યંત વિકટ સ્થિતિમાં પણ સગર્ભાની પ્રસુતિ કરાવી હતી. 108 એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતિ કરાવી હતી. જયારે બીજી બાજુ દ્વારકાના કલ્યાણપુર નજીક રેણુકા નદીમાં ફસાયેલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. કારમાં ફસાયેલા જામનગરના 7 લોકોને બચાવાયા છે. જેસીબીની મદદથી ગ્રામજનોએ લોકોનો જીવ બચાવ્યો છે.

આ પણ જૂઓ: ગુજરાતમાં જાણો આજે ક્યા છે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Back to top button