ગુજરાતટ્રેન્ડિંગબિઝનેસ

જાણો ઊંઝા ખાતે નવા જીરુનો શું ભાવ પડ્યો

અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2025.: ગંજબજારમાં નવા જીરુની આવક શરૂ થઇ ગઇ છે. જોકે જૂના જીરુમાં હાલમાં મંદી અનુભવાઇ રહી છે. સિઝનની હવે શરૂઆત થઇ છે ત્યારે જેમ જેમ તડકો પડશે તેમ માલો આવવા માંડશે. હાલમાં બગાડના કોઇ અહેવાલ નથી. ઠંડીને કારણે દાણો મજબૂત થશે અને ઉતારા વધશે. ઊંઝા માર્કેટ યાર્ડમાં વિરમગામ આવેલા નવા જીરુની પરચૂરણ આવક થઇ હતી તેને વધાવતા રૂ. 11,111નો ભાવ પડ્યો હતો. જોકે મંગળવારે નવા જીરુનો ભાવ રૂ. 5400 પડ્યો હતો. આજે પણ 15થી 16 બોરી વિરમગામ સાઇડથી આવી હતી તેની ક્વોલિટી સારી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેનો ભાવ રૂ. 5થી 6 હજારનો પડ્યો હતો. જૂનો માલની રાજસ્થાન તથા સૌરાષ્ટ્રમાંથી 4 હજાર બોરી આસપાસની થાય છે. આજે પણ વિરમગામથી આશરે 15 બોરી આવી હતી તેમાં રૂ. 5થી 6 હજારના ભાવ પડ્યા હતા. આવકો વધશે ત્યારે ભાવ રૂ. 4500ની આસપાસ આવી જવાની વકી સેવાય છે.

જીરુમાં જૂના માલમાં હલકા માલના રૂ. 3800, મીડિયમના રૂ. 4000 અને સારા માલના રૂ. 4100થી 4200 અને બોલ્ડ માલના રૂ. 4300 રહ્યા હતા. જૂના માલમાં વેચવાલીનું માનસ છે. તેમાં વેપાર 4 હજાર બોરીના રહ્યા હતા.

વરિયાળીમાં રાજસ્થાન આબુરોડ સાઇડથી નવો માલ આવી રહ્યો છે. તેની આશરે 500થી 500 બોરી આવે છે. નવા માલની ઘરાકી પણ સારી છે. સામાન્ય રીતે આબુ રોડના ભાવ ઊંચા જ હોય છે ત્યારે તેના જનરલ ભાવ રૂ. 2500થી 7,000 સુધીના રહ્યા હતા. જ્યારે જૂની વરિયાળીના ભાવ રૂ. 1300થી 4000 સુધીના રહ્યા હતા. તેમાં પણ ઘરાકી ઠંડી છે. વરયાળીમાં મુખ્યત્વે રાજસ્થાનથી આવક રહેશે તેમ મનાય છે. સાબરકાંઠામાં વરિયાળીના ઉત્પાદનમાં કાપ મુકાયો હોવાની માહિતી મળી છે તેથી ત્યાંથી આવક નહીવત રહેશે પરિણામે નવા માલના ભાવ ટાઇટ રહેશે. સિઝનલ ઘરાકી નવા માલની જ આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

ઇસબગૂલમાં રાજસ્થાનની એકથી બે હજાર બોરીની આવક થઇ છે. તેની સાથે કચ્છથી અનિયમિત આવકો થઇ રહી છે. તેના ભાવ રૂ. 2300થી 2700 સુધીના રહ્યા હતા. તેમાં દૈનિક 3500થી 4500 બોરીના વેપાર થાય છે. તેમાં લાંબા સમયથી ઘરાકી જળવાયેલી છે. નવો માલ માર્ચમાં આવશે ત્યારે હાલમાં ઊભા પાકમાં બગાડના અહેવાલ નથી.

અજમામાં સ્થાનિક આવક સામે ઘરાકીનો અભાવે છે. જૂના માલના ભાવમાં ખાસ્સો ઘટાડો થતા રૂ. 1300થી માંડીને રૂ. 2000 સુધીના ભાવ રહ્યા છે. જ્યારે નવા માલના રૂ. 2200થી 2400 સુધીના રહ્યા હતા. અજમાની હારીજ, પાટણ વગેરે સ્થળોએથી આવક થાય છે.

Back to top button