ગુજરાતચૂંટણી 2022

બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં BJP પ્રદેશ પ્રમુખ પાટીલે મતદારોનો માન્યો આભાર, જાણો શું કહ્યું

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. કેટલું મતદાન થયું છે તેનો સત્તાવાર આંકડો આવવાનો હજુ બાકી છે ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગાંધીનગર કમલમ ખાતેથી પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ ગુજરાતના મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટીલે કહ્યું હતું કે, લોકોએ વિકાસ માટે મતદાન કર્યું છે અને અમને ખાતરી છે કે અમે તેમના આ વિશ્વાસ ઉપર ખરાં ઉતરવાના છીએ.

ઓછા મતદાનથી કઈ ફરક પડતો નથી

વધુમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મતદાન પહેલા તબક્કામાં ઓછું થયું છે તે વાસ્તવિકતા છે અને બીજા તબક્કામાં તેને સરભર કરવાની કોશિશ પણ કરવામાં આવી છે. જો કે તેની કોઈ ચિંતા નથી. ભાજપને ઓછા મતદાન સાથે કંઈ લેવાદેવા નથી. મતદાન ભલે ઓછું થયું હોય પણ અમારો વોટશેર વધ્યો છે તે અમારા માટે પ્લસ પોઈન્ટ છે અને અમને તેનો ફાયદો મળ્યો છે.

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર

વધુમાં પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓએ સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ નીચે ફરી રાજ્યમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે.

કાર્યકરોએ દિવસ અને રાત મહેનત કરી તેનું પરિણામ

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દિવસ અને રાત જોયા વગર મહેનત કરી છે. તેનું જ પરિણામ છે ભાજપ રાજ્યમાં ફરી એકવાર સત્તા ઉપર બેસવાની છે.

Back to top button