ટ્રેન્ડિંગધર્મ

રથયાત્રાના આગલા દિવસની જાણો શું છે તૈયારીઓ? ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં જોડાશે
  • 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થશે
  • 7 વાગ્યે CM રથયાત્રાનું  પ્રસ્થાન કરાવશે

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. રથયાત્રા આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીને વહાલથી વધાવવા ભક્તો આતુર બન્યા છે. આજે સવારથી ભગવાનનાં દર્શને ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. સવારની મંગળા આરતી પૂર્વે ભગવાનનાં દર્શન માટે ભક્તો આખી રાત મંદિરમાં સેવા અને કીર્તન કરશે.

સવારે મંગળા આરતી બાદ ધ્વજારોહણવિધિ

અષાઢી બીજના દિવસે વહેલી સવારના ચાર વાગ્યે ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજારોહણવિધિ કરવામાં આવશે. 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજશે.

જાણો રથયાત્રાની ખાસિયતો

રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે અને 101 ભારતીય સંસ્કૃતિની પ્રતિકૃતિ દર્શાવતી ટ્રકો પણ જોડાશે. 30 અખાડા, 18 ભજન મંડળી, ત્રણ બેન્ડવાજાં પણ રથયાત્રામાં જોડાશે. અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતનાં શહેરોમાંથી 2000 જેટલા સાધુ-સંતો આવી ચૂક્યા છે. રથયાત્રા દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કાકડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે. ગઈ કાલે ભગવાનનો ગૃહપ્રવેશ થઇ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, ભાઈ બલરામની નેત્રોત્સવવિધિ પણ કરવામાં આવી છે.

સોનાવેશમાં દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા

આજે સવારે ભગવાન સોનાવેશમાં દર્શન આપ્યા હતા. ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં વહી રહ્યો છે. આજે ગજરાજની પૂજનવિધિ કરવામાં આવી, જેમાં બીસીસીઆઇના જનરલ સેક્રેટરી જય અમિત શાહ હાજર રહ્યા હતા. બપોરે 1.30 વાગ્યે મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા પણ કરાઇ હતી. ત્યાર બાદ બપોરના ત્રણ વાગ્યે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને નેતાઓ દ્વારા રથનું પૂજન અને આરતી કરવામાં આવી છે. સાંજના 8.00 વિશિષ્ટ પૂજા અને સંધ્યા આરતીમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના પ્રધાનો અને નેતાઓ હાજર રહેશે.

રથયાત્રાના આગલા દિવસની જાણો શું છે તૈયારીઓ? ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ hum dekhenge news

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન

અષાઢ સુદ બીજના દિવસે આવતી કાલે મંગળવારે સવારના ૩.૪પ વાગ્યે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. ત્યાર બાદ 4.00 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરાશે. 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહેશે અને અતિથિવિશેષ તરીકે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ હાજર રહેશે. ત્યાર બાદ સવારના 6.00 વાગ્યે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. 7.05 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી ભગવાનના રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.

પીએમ મોદીએ પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી રાખી

2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનીને દિલ્હી ગયા પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી રહી છે. 2014થી અત્યાર સુધી પીએમ મોદી દર વર્ષે મગ અને જાંબુ પ્રસાદ માટે અચૂક મોકલાવે છે. તેઓ સીએમ હતા ત્યારે પણ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ મોકલાવતા હતા અને આ પરંપરા તેમણે દિલ્હીની ગાદીએ બેઠા બાદ પણ જાળવી રાખી છે. પીએમ મોદીના પૂરા પરિવારની ભગવાન જગન્નાથ સાથે લાગણી જોડાયેલી છે, જ્યારે તેમનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે પૂરો પરિવાર ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યો હતો અને માતા હીરાબાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમણે 2002થી 2013 સુધી સતત 12 વર્ષ સુધી પિહિંદવિ‌ધિ કરી હતી. સૌથી વધુ પહિંદવિધિ કરનારા CM નરેન્દ્ર મોદી છે.

આ પણ વાંચોઃ અમિત શાહ આવતીકાલે ફરી આવશે ગુજરાત, જગન્નાથજી મંદિરે કરશે મંગળા આરતી, જાણો સમગ્ર કાર્યક્રમ

Back to top button