ધર્મવિશેષ

વૈકુંઠની પ્રાપ્તિ કરાવતી કામદા એકાદશીએ જાણો આ વિશેષ વ્રત કથા

  • ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી
  • માન્યતા મુજબ,કામદા એકાદશીથી પ્રેત યોનિમાંથી મુક્તિ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.
  • કામદા એકાદશીએ માત્ર પાણી પર કે ફળાહાર કરીને ઉપવાસ રાખવો

HDNEWS, 19એપ્રિલ: પંચાગ પ્રમાણે ચૈત્ર શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશી વ્રત રાખવાથી બધી ઈચ્છાઓ પુર્ણ થાય છે તથા બધા પ્રકારના દુ:ખ અને કષ્ટોથી મુક્તિ મળે છે. કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. માન્યતા પ્ર્માણે આ દિવસે વ્રત-પુજન કરવાથી વિષ્ણુ ભગવાન આપનીતમામ અધુરી મનોકામનાઓ પણ પુરી કરે છે માટે તેને ફળદાયી એકાદશી પણ કહેવાય છે. એવું કહેવાય છે કે કામદા એકાદશીની વ્રત-કથા સાંભળવાથી પ્રેત યોનિથી મુક્તિ મળે છે અને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે.

 કામદા એકાદશીની વ્રત-કથા

 પુણ્ડરીક નામના નાગનું એક રાજ્ય હતું. આ રાજ્ય ઘણું જ વૈભવશાળી અને બધી રીતે સુખસંપન્ન હતું. પુણ્ડરીક નાગરાજાના રાજ્યમાં અપ્સરાઓ, ગાંધર્વ અને કિન્નર પણ રહેતા હતા. અહીં લલિતા નામની એક સુંદર અપ્સરા પણ પોતાના ગાંધર્વ પતિ લલિત સાથે રહેતી હતી. લલિત નાગ દરબારમાં ગાયન-નૃત્ય કરીને મનોરંજન કરતો હતો. ગાંધર્વ લલિત પોતાની પત્નિ લલિતાને ખુબ જ પ્રેમ કરતો હતો. એકવાર રાજદરબારમાં રાજા પુણ્ડરીકે લલિતને ગાયન ગાવા અને નૃત્ય કરવાનો આદેશ આપ્યો ત્યારે લલિત નૃત્ય અને ગાયન ગાતા સમયે પોતાની પત્નીને યાદ આવતા તેના મનોરંજનના કાર્યમાં વિક્ષેપ પડ્યો. સભામાં એક કર્કોટક નામના નાગ દેવતા ઉપસ્થિત હતા, જેમણે પુણ્ડરીક નામના નાગ રાજાને લલિતની ભુલ ધ્યાને આવતા તેના વિશે જાણ કરી દીધી. આ વાતથી રાજા પુણ્ડરીકે નારાજ થઈને લલિતને ભયંકર રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો. જેના પછી લલિત એક બહુ જ કદરુપો દેખાતો રાક્ષસ બની ગયો. આથી તેની અપ્સરા પત્ની લલિતા પણ દુ:ખી થઈ ગઈ. લલિતા પોતાના પતિને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે ઉપાયો શોધવા લાગી. ત્યારે એક મુનિએ લલિતાને કામદા એકાદશી વ્રત રાખવાની સલાહ આપી. લલિતાએ મુનિના આશ્રમમાં એકાદશી વ્રતનું પાલન કર્યુ. અને આ વ્રતના પુણ્ય પ્રતાપથી પતિને લાભ થયો. વ્રતની શક્તિથી લલિતને પોતાના રાક્ષસ રુપમાંથી મુક્તિ મળી અને તે ફરીથી એક સુંદર ગાયક ગાંધર્વ બની ગયો.

કામદા એકાદશીની પુજા-અર્ચના

આ દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પ્રથમ સુર્યને અર્ધ્ય આપવું. ત્યાર પછી ભગવાન વિષ્ણુની યાદ કરીને આરાધના કરવી. ઘરના મંદિરમાં ભગવાનની મુર્તિ સમક્ષ પીળા ફુલ, પંચામૃત અને તુલસી સાથે ફળ પણ અર્પણ કરી શકાય. જે પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને તેમના મંત્રોનો જાપ કરવો. આ દિવસે ભગવાન વિષ્ણુ માત્ર પાણી પર રહીને અથવા તો ફળાહાર કરીને ઉપવાસ રાખવો. આ સિવાય કોઈ જરૂરિયાતમંદ કે ગરીબનું ભોજન કરાવો. આમ સમગ્ર દિવસ પ્રભની ભકિતમાં લીન થઈને પસાર કરવો જોઈએ.

આ પણ વાંચો: હનુમાન જયંતી પર છે વિશેષ યોગ, આ રીતે કરો બજરંગબલીને પ્રસન્ન

Back to top button