લોકસભા ચૂંટણી 2024: જાણો અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાના મનની વાત
અમદાવાદ, 15 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવતીકાલે ચૂંટણીપંચ દ્વારા મતદાન અને ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો પણ જાહેર થશે. ત્યારે ભાજપે અત્યાર સુધી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જ્યારે કોંગ્રેસ દ્વારા માત્ર સાત જ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. અમદાવાદની બંને બેઠકો પૂર્વ અને પશ્ચિમ પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થઈ ગયાં છે. ત્યારે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ હમ દેખેંગે ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. તેમણે અમદાવાદની જનતા માટે પોતાના કામ કરવાના વિઝન અને વિષયને લઈને ચર્ચા કરી હતી.
પશ્ચિમમાં વિકાસ તો થાય છે પરંતુ પૂર્વમાં સ્થિતિ વિકટ છે
ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને અમદાવાદની પૂર્વ બેઠક પર શરૂઆતથી જ ભાજપને જ જીત મળી છે. ત્યારે પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે ભાજપે અમદાવાદીઓ સાથે ભેદભાવ કર્યો છે. શા માટે અમદાવાદને દુબઈ ન બનાવી શકાય. શા માટે અમદાવાદને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પશ્ચિમમાં વિકાસ તો થાય છે પરંતુ પૂર્વમાં સ્થિતિ વિકટ છે. જે મુખ્ય મુદ્દા છે તે તો હજુ ત્યાં ને ત્યાં જ છે. પછી તે રોજગારીનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, મહિલાઓનો પ્રશ્ન હોય, યુવાનોનો પ્રશ્ન હોય, તમામ વર્ગના લોકોને સમાન ન્યાય આપવાનો પ્રશ્ન હોય. હવે લોકો થાકી ગયા છે.
View this post on Instagram
મોદીના વિજય રથને રોકવાનું કામ જનતા કરશે
રોહન ગુપ્તાએ હમ દેખેંગે ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું જન્મથી અને કર્મથી અમદાવાદી છું. એટલે અમદાવાદ વિશે ઘણું બધું જાણું છું. લોકો સત્ય હકીકત નથી જાણતા, માત્ર રામ મંદિર બનાવી દેવાથી તમામ જવાબદારીઓમાંથી છટકી શકાય નહીં, મોદીના વિજય રથને કેવી રીતે રોકશો તે સવાલને લઈને રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે મોદીના વિજય રથને રોકવાનું કામ રોહન ગુપ્તા નહીં પરંતુ જનતા કરશે. એક અમદાવાદી તરીકે લોકોની અપેક્ષા કેવી રીતે પૂર્ણ કરવી એ મારી પ્રથમ જવાબદારી રહેશે.
લોકોની સાથે ઉભા રહીને મુદ્દાઓ ઉઠાવીશું
અમદાવાદનાં 80 ટકા લોકો વડાપ્રધાન મોદીને પસંદ કરે છે તેવા સવાલ સામે રોહન ગુપ્તા જવાબ આપતા જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં અમે લોકોને સવાલ કરીશું કે ભાજપે અગાઉ તમને આપેલા વચનોમાંથી કેટલા પૂર્ણ થયા? સાંસદની જવાબદારી શું છે? અમદાવાદ લગતા મુખ્ય મુદ્દાઓ શું છે તે તમામ લોકોની વચ્ચે લઈને જઈશું! માત્ર આભાસી ચિત્રોથી વોટ નહીં પરંતુ પ્રાણ પ્રશ્નો ઉપર ભાજપ ખરેખર સફળ થયો હોય તો જણાવો એવી તમામ વાતો અમે લોકો સાથે જઈને કરીશું. તેમણે અમદાવાદની પૂર્વની જનતાને અપીલ કરી હતી એક મોકો રોહન ગુપ્તાને આપી જુઓ અમદાવાદને વિશ્વના શહેરો માનાં એક બનાવવા માંગુ છું.
આ પણ વાંચોઃભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાની પક્ષમાંથી હકાલપટ્ટી