UAE જતાં પહેલાં નવી પાસપોર્ટ પોલીસી જાણજો, બાકી એરપોર્ટ પર અટવાશો
સંયુક્ત અરબ અમીરાત (UAE) એ તેના પાસપોર્ટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. નવી માર્ગદર્શિકા હેઠળ, હવે જે લોકો પાસે માત્ર એક જ નામ છે એટલે કે પાસપોર્ટમાં તેમનું નામ માત્ર એક જ શબ્દ અથવા અક્ષર છે, તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
માત્ર એક શબ્દનું નામ અથવા અટક ધરાવતા કોઈપણ પાસપોર્ટ ધારકને INAD ગણાશે
યુએઈની નવીનતમ માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરીને એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, માત્ર એક શબ્દનું નામ અથવા અટક ધરાવતા કોઈપણ પાસપોર્ટ ધારકને યુએઈમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં અને પેસેન્જરને INAD (અસ્વીકાર્ય પેસેન્જર) તરીકે ગણવામાં આવશે. 21 નવેમ્બરના નોટિફિકેશન મુજબ, આવા મુસાફરો (એક શબ્દના નામ ધરાવતા)ને વિઝા આપવામાં આવશે નહીં અને જો વિઝા અગાઉ જારી કરવામાં આવ્યા હોય, તો તેઓને ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા INAD તરીકે ગણવામાં આવશે. આ માર્ગદર્શિકા તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, UAE દુબઈ સહિત સાત અમીરાતનું બંધારણીય સંઘ છે. અબુ ધાબી શહેર સંયુક્ત આરબ અમીરાતની રાજધાની છે.
કાયમી વિઝા ધારકોને મળશે ડિસ્કાઉન્ટ, પાસપોર્ટ બદલવો પડશે
UAEના કાયમી વિઝા ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે, તેઓએ પ્રથમ અને અંતિમ નામ બંને કોલમમાં એક જ નામ લખીને પાસપોર્ટ અપડેટ કરાવવો પડશે. તે જ સમયે, ઈન્ડિગોએ કહ્યું છે કે જો કોઈ પેસેન્જરને આનાથી વધુ માહિતીની જરૂર હોય તો તે વેબસાઈટ પર જઈને વિગતવાર માહિતી મેળવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UAE સરકાર દ્વારા નવી જાહેરાત થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.