ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

RBI ગવર્નરથી PM બનવા સુધીની ડૉ. મનમોહન સિંહની આવી રહી સફર

નવી દિલ્હી, તા.27 ડિસેમ્બર, 2024: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવાર, તા. 26 ડિસેમ્બર, 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું.

ભારતના 14મા વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા તે સમયે સંસદના કોઈ પણ ગૃહના સભ્ય ન હતા. પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. સિંહ તેમની વિનમ્રતા, સખત મહેનત અને કામ કરવાની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા.

પાકિસ્તાનમાં જન્મ

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અખંડ ભારતના પંજાબ પ્રાંત (હાલ પાકિસ્તાન) ના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પાસ કર્યું અને યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ પૂર્ણ કર્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. 1962 માં, તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના નફીલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં D.Phil પૂર્ણ કર્યું. તેમણે જીનીવામાં મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1971માં ડૉ. સિંહ વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા અને 1972માં તેઓ નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા હતા.

તેમણે પોતાના એક પુસ્તક ‘એક્સપોર્ટ્સ એન્ડ પ્રોસ્પેક્ટ્સ ઓફ સેલ્ફ-રિલાયન્સ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા’માં ભારતમાં નિકાસ આધારિત વેપાર નીતિની નિંદા કરી હતી. પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં, ડૉ. સિંહે શિક્ષક તરીકે સેવા આપી હતી, જે તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા દર્શાવે છે. આ વચ્ચે, થોડા વર્ષો સુધી તેમણે યુએનસીટીએડી સચિવાલય માટે પણ કામ કર્યું હતું.

ડૉ. મનમોહન સિંહે 1991 થી 1996 સુધી ભારતના નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી, જેને ભારતના આર્થિક ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. જ્યારે સિંહને નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે તેઓ સંસદના કોઈ પણ ગૃહના સભ્ય નહોતા. આર્થિક સુધારાઓના અમલીકરણમાં તેમની ભૂમિકાની બધાએ પ્રશંસા કરી હતી.

તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 1993 માં વિયેનામાં કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ અને માનવ અધિકારો પર વિશ્વ પરિષદ માટે સાયપ્રસમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. 1972માં તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા હતા. પછીના વર્ષોમાં, તેમણે આયોજન પંચના ઉપાધ્યક્ષ, વડા પ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

આરબીઆઈના ગવર્નર પણ રહ્યા

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં તેઓ 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ગવર્નર પણ રહ્યા હતા. આ દરમિયાન તેમણે બેંકિંગ ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા હતા. જેના માટે આજે પણ દેશ તેમને યાદ કરે છે.

આ રીતે બન્યા હતા વડાપ્રધાન

તેઓ 22 મે 2004થી 26 મે 2014 સુધી ભારતના વડા પ્રધાન રહ્યા હતા. તેમણે બે વખત વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે ક્યારેય દેશના વડા પ્રધાન બનવાનું સપનું પણ નહોતું જોયું. 2004માં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બનવાનો ઇનકાર કર્યો હતો અને આ રીતે મનમોહન સિંહના વડા પ્રધાન બન્યા હતા.

ડૉ. મનમોહન સિંહને મળેલા પુરસ્કાર અને સન્માન

1955 – કેમ્બ્રિજની સેંટ જૉન્સ કૉલેજમાં વિશેષ પ્રદર્શન માટે રાઈટ પુરસ્કાર
1956 – કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ એવોર્ડ
1987 – ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ
1995 – ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દિ પુરસ્કાર

આ પણ વાંચોઃ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

Back to top button