ટ્રેન્ડિંગધર્મ

જાણો જગન્નાથપુરીની રથયાત્રા સાથે જોડાયેલી રસપ્રદ વાતો, આજે સહસ્ત્રધારા સ્નાન

  • અષાઢ સુદ બીજના દિવસે પુરીમાં વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાનું આયોજન થાય છે. જાણો જગન્નાથપુરીની રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો

22 જૂન, પુરીઃ અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા આખા દેશમાં પ્રસિદ્ધ છે, તે જ રીતે ઓડિશાના પ્રસિદ્ધ તીર્થસ્થાન પુરીમાં દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે રથયાત્રાનું આયોજન 7 જુલાઈથી થઈ રહ્યું છે. પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પુરીમાં વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાનું આયોજન થાય છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ભ્રમણ કરીને તેમની માસીના ઘરે ગુંડિચા મંદિર તરફ પ્રસ્થાન કરશે. જાણો જગન્નાથપુરીની રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો. જેઠ પૂર્ણિમાના દિવસે થઈ રહેલા સહસ્ત્રધારા સ્નાન વિશે અને કેમ કરવામાં આવશે દ્વાર બંધ?

કેવા હોય છે રથ?

ભગવાન જગન્નાથની યાત્રા સાથે રથ પણ અત્યંત ખાસ હોય છે. તેને લીમડાના ઝાડની લાકડીથી બનાવવામાં આવે છે. રથયાત્રાની તૈયારી દર વર્ષે વસંત પંચમીના દિવસથી શરૂ થઈ જાય છે. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં કોઈ પણ પ્રકારના ધાતુનો પ્રયોગ કરવામાં આવતો નથી. રથના લાકડા માટે સ્વસ્થ અને શુભ ઝાડની ઓળખ કરવામાં આવે છે.

જાણો જગન્નાથપુરીની રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો hum dekhenge news

આવો હોય છે જગન્નાથજીનો રથ

જગન્નાથજીનો રથ 16 પૈડાથી બનેલો છે અને તેમાં 332 લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની ઉંચાઈ 45 ફૂટ છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો છે. અક્ષય તૃતીયાના દિવસથી રથનું નિર્માણ કાર્ય શરૂ થાય છે. તેમનો રથ અન્ય બે રથ કરતાં કદમાં મોટો છે. તેમના રથ પર હનુમાનજી અને ભગવાન નરસિંહનું પ્રતીક કોતરેલું છે અને તે રથ યાત્રામાં પાછળ રહે છે.

બલરામજીના રથની ખાસ વાત

બલરામજી ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ છે અને મોટા હોવાને નાતે સૌનું નેતૃત્વ કરે છે. તેથી જ તેમનો રથા સૌથી આગળ રહે છે. તેમના રથની ઊંચાઈ 44 ફૂટ છે. આ રથમાં બ્લુ કલરનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

બહેન સુભદ્રાનો રથ

કૃષ્ણ અને બલરામની લાડકી બહેન સુભદ્રાનો રથ બંને ભાઈઓની સુરક્ષામાં રહે છે. એટલે કે સુભદ્રાનો રથ બે રથની વચ્ચે ફરે છે. તેની ઉંચાઈ 43 ફૂટ હોય છે અને તેને સજાવવા માટે મુખ્યત્વે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે.

મૂર્તિઓમાં પણ છે અસ્થિ

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ મૂર્તિઓનું નિર્માણ રાજા ઇન્દ્રધ્યુમને.કરાવ્યું હતું. તે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન રાજાના સપનામાં દેખાયા હતા અને તેમને મૂર્તિઓ બનાવવાનો આદેશ આપ્યો હતો. સપનામાં તેમને કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ નદીમાં સમાઈ ગયા છે અને તેમના શોકમાં બલરામ અને સુભદ્રા પણ નદીમાં પડી ગયા છે અને તેમના મૃતદેહોના અસ્થિ નદીમાં પડેલા છે. ભગવાનના આદેશને અનુસરીને, રાજાએ નદીમાંથી ત્રણેયના હાડકાં એકત્રિત કર્યા અને મૂર્તિઓ બનાવતી વખતે દરેક મૂર્તિમાં થોડો થોડો અંશ મુકી દીધો હતો. જગન્નાથજીના મંદિરનું નિર્માણ લગભગ 1000 વર્ષ પહેલા થયું હતું અને ત્યારથી અહીંની મૂર્તિઓ દર 14 વર્ષે બદલવામાં આવે છે.

જાણો જગન્નાથપુરીની રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો hum dekhenge news

રથયાત્રા વિશે આવી છે માન્યતા

રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન જગન્નાથનો રથ ખેંચે છે તેને ફરી જન્મ લેવો પડતો નથી એટલે કે તેને આ જ જન્મમાં મોક્ષ મળે છે. આથી લોકોમાં રથ ખેંચવા માટે ભારે ઉત્સાહ જોવા મળે છે.

અહીં પવનની દિશા પણ બદલાઈ જાય છે

ભગવાન જગન્નાથને સમર્પિત આ મંદિર 10મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, જે ચાર ધામમાં પણ આગવું સ્થાન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે મંદિરની ટોચ પર લહેરાતો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. એવું કહેવાય છે કે અહીં દિવસ દરમિયાન પવન સમુદ્રથી જમીન તરફ આવે છે અને તેની ઉલટી દિશામાં ફૂંકાય છે, પરંતુ મંદિરનો ધ્વજ તેનાથી વિરુદ્ધ દિશામાં ઊડે છે, કારણ કે મંદિરમાં પવન દિવસ દરમિયાન સમુદ્ર તરફ અને રાત્રે મંદિર તરફ ફૂંકાય છે.

દરરોજ બદલાય છે ધજા

જગન્નાથજીના મંદિરની ધજા દરરોજ બદલાય છે. દરરોજ એક પૂજારીએ ઊંચા ગુંબજ પર ચઢીને ધજા બદલવાનો હોય છે. જગન્નાથ મંદિરમાં એવી માન્યતા છે કે જો એક દિવસ પણ ધજા બદલવામાં નહીં આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે. રહસ્યોથી ભરેલા આ મંદિર વિશે એવું પણ કહેવાય છે કે આ મંદિર પર ક્યારેય કોઈ પક્ષી ઉડતું નથી. તેના ઉપરથી કોઈ વિમાન પણ પસાર થઈ શકતું નથી. એવું માનવામાં આવે છે કે અહીં એક ખાસ પ્રકારની ચુંબકીય શક્તિના કારણે આવું થાય છે.

જેઠ પૂર્ણિમાના દિવસે ભગવાનનું સહસ્ત્રધારા સ્નાન

જેઠ પૂર્ણિમાને દેવ સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા કાઢવામાં આવે છે. પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રને સહસ્ત્રધારા સ્નાન કરાવવામાં આવે છે. આ ખાસ દિવસે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લાખો ભક્તો દેશ-વિદેશમાંથી આવે છે.

આજથી આગામી 14 દિવસ સુધી ભગવાન જગન્નાથના દર્શન થઈ શકશે નહીં. કારણ કે આ સમયગાળા દરમિયાન શ્રી જગન્નાથ મંદિરના દરવાજા બંધ રહેશે અને 15માં દિવસે મંદિરના દરવાજા ખોલવામાં આવશે અને જગન્નાથ રથયાત્રા શરૂ થશે.

સહસ્ત્રધારા સ્નાન શું છે?

જેઠ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને દેવી સુભદ્રાને ગર્ભગૃહમાં 108 ઘડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. આ ઘડાઓમાં ચંદન, કેસર, સુગંધિત ફૂલો અને કસ્તુરી જેવી પવિત્ર વસ્તુઓથી સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન કર્યા બાદ ભગવાન જગન્નાથની સાથે ત્રણેય ભાઈ-બહેનોને સાદા પોશાક પહેરાવવામાં આવે છે અને ત્યારબાદ મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરી દેવામાં આવે છે.

કેમ આગામી 14 દિવસ સુધી મંદિરના દ્વાર બંધ રખાશે?

એવી માન્યતા છે કે પૂર્ણિમાના સ્નાન બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બીમાર પડી જાય છે. તેથી 14 દિવસ સુધી અનેક વિશેષ ઔષધીઓથી ભગવાનનો ઉપચાર કરવામાં આવે છે અને અષાઢની એકમના દિવસે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે.

આ પણ વાંચોઃ ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ સાત વસ્તુઓ, લક્ષ્મી આકર્ષાશે

Back to top button