જાણો હવે ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, હવામાન વિભાગે આપી માહિતી
- હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ત્રણ દિવસ બાદ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી 6 અને 7 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 8 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.
અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ હવે કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં કુલ 32 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. આવામાં વરસાદના બીજા રાઉન્ડ વિશે લોકો ચર્ચા કરી રહ્યા છે, ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની તારીખો આપી દીધી છે. બસ હવે માત્ર ત્રણ દિવસ બાદ ફરી મેધરાજા મન મૂકીને વરસી શકે છે.
આગામી પાંચ દિવસની વરસાદની આગાહી કરતાં મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં જ ખૂબ ઓછા વરસાદની સંભાવના છે. માત્ર હળવો અને સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે આ દરમિયાન સુરત અને ભરૂચમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ફરી તેજ થવાની સંભાવના છે. જ્યારે આગામી ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. એટલે કે 6 અને 7 તારીખ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
6, 7 અને 8 જૂલાઈએ ક્યાં કયાં વરસાદ આવી શકે છે?
6 તારીખની વાત કરીએ તો સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે 7મી જુલાઇએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારો, વસલાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સુરત અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે. 8 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ?
મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી બે-ત્રણ દિવસ વરસાદની વધુ સંભાવના નથી. પરંતુ તે બાદ સામાન્યથી મધ્ય વરસાદ પડી શકે છે. હાલ ભેજનું પ્રમાણ પણ વધારે છે. સાથે તાપમાન સામાન્ય એટલે કે 34-35 જ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.
રાજ્યમાં સિઝનનો કેટલો થયો વરસાદ?
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 46.41 ટકા, ઉત્તર ગુજરાત વિસ્તારમાં 29.29 ટકા, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 26.09 ટકા, પૂર્વ ગુજરાત વિસ્તારમાં 20.40 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો: ગામડાઓમાં બેરોજગારી દર વધ્યો, સરકારના રોજગારીના દાવાઓની પોલ ખુલી