ગુજરાત રાજ્ય સકારાત્મક અભિગમ સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. જેમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી, 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમિયાન પ્રતિષ્ઠિત 36મી નેશનલ ગેમ્સ 2022ની યજમાની કરવા ગુજરાત તૈયાર છે. નેશનલ ગેમ્સમાં ભાગ લેવો તે દરેક ખેલાડી માટે ગર્વની વાત છે. તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, રેકોર્ડ તોડવા અને નવા રેકોર્ડસ બનાવવાનું પ્લેટફોર્મ આ નેશનલ ગેમ્સ થકી મેળવી શકાય છે.
ગુજરાતમાં હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારી દેવાયો
ઉલ્લેખનીય છે કે નેશનલ ગેમ્સ છેલ્લે 2015માં કેરળમાં આયોજિત કરવામાં આવી હતી. કોરોના સહિતના વિવિધ કારણોસર, હવે 7 વર્ષના અંતરાલ પછી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. જેમાં એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લૉન ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, કુશ્તી, કબડ્ડી, ખો-ખો, મલ્લખંભા અને યોગાસન સહિત 34થી પણ વઘુ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સમાં દેશના 7000થી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા 6 શહેરોને આવરી લેતા વિવિધ રમતગમતની સ્પર્ધાઓ રાજ્યભરમાં રમાશે. જેથી રાજ્યના અનેક રમત પ્રેમીઓ આ ઉત્સવમાં જોડાશે. ઓલિમ્પિક અભિયાન સાથે સંલગ્ન, ગુજરાત આ રમતોનું આયોજન કરવા માટે તેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારી દેવાયો છે.
ગુજરાતના છ શહેરોની સાથે દિલ્હીમાં પણ યોજાશે
સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ ગુજરાતના શહેરોમાં યોજાશે આ અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે રમત ગમત વિભાગના ઉચ્ચ અધિકારી અશ્વિનની કુમારે તાજેતરમાં દરેક શહેરના મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં તારીખ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સ યોજાય એ પૂર્વે તારીખ 15થી 18 દરમિયાન લોકોને જાણકારી મળી રહે તે માટે સ્પોર્ટ્સ હરીફાઈ સ્પોર્ટ્સ કાર્નિવલ જુમ્બા વિગેરેનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2015માં કેરાલામાં નેશનલ ગેમ્સ યોજાઇ હતી તે બાદ વર્ષ 2016માં ગોવામાં યોજવાની હતી તે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2018-19માં પણ નેશનલ ગેમ્સ રાખી હતી. તે બાદ કોરોના કાળને ધ્યાનમાં રાખી વર્ષ 2020માં પણ નેશનલ ગેમ્સ યોજાઈ ન હતી. તેથી હવે નેશનલ ગેમ્સ 2022 ગુજરાતના છ શહેરોમાં યોજાનાર છે સાથે સાથે દિલ્હીમાં પણ યોજાશે.
સુરતમાં ચાર રમત બે સ્થળે યોજાશે
તારીખ 29 સપ્ટેમ્બર થી તારીખ 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સ માં તારીખ 29મી એ અમદાવાદ ખાતે ઓપનિંગ શેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. તેમજ અમદાવાદમાં 16 રમતો છ સ્થળે યોજાશે. જેમાં 7100 ખેલાડી ઓફિશિયલ્સ ભાગ લેશે. જ્યારે તારીખ 12મી ઓક્ટોબરના રોજ સુરતમાં ક્લોઝિંગ શેરેમની યોજાશે. તેમજ તારીખ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન સુરતમાં ચાર રમત બે સ્થળે યોજાશે. જેમાં 1100 ખેલાડી ભાગ લેશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાનારી નેશનલ ગેમ્સનો આગામી તા. 29મી સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે. જેમાં અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં 29મીએ યોજાનારા એક શાનદાર સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. એ સાથે જ ગુજરાતના અન્ય શહેરોમાં પણ નેશનલ ગેમ્સની એક સાથે શરૂઆત કરવા માટેના આયોજનને લીલીઝંડી આપવામાં આવી છે. અમદાવાદના કાર્યક્રમ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ ગેમ્સ વિવિધ શહેરોમાં એક સપ્તાહ સુધી ચાલશે
મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ અને ગેમ્સની અમદાવાદમાં રમાનારી રમતોના આયોજન તથા વ્યવસ્થા અંગે મ્યુનિ. કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેશનલ ગેમ્સ અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, ઉપરાંત રિવરફ્રન્ટ, કાંકરિયા લેઇક ફ્રન્ટ, મણિનગર વ્યાયામ શાળા, નરોડા વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ સહિત અનેક સ્પોર્ટ્સ સંકુલોમાં કઈ કઈ રમતોની સ્પર્ધાઓ થશે તેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં ત્રણ સ્થળે 10 રમત જેમાં 4600 ખેલાડી ભાગ લેશે
વડોદરામાં જીમ્નાસ્ટિક અને હેન્ડબોલની બે રમત તારીખ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાશે. જેમાં 700 ખેલાડી ભાગ લેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં ત્રણ સ્થળે 10 રમત જેમાં 4600 ખેલાડી ભાગ લેશે. તથા રાજકોટમાં બે રમત ત્રણ સ્થળે રમાશે જેમાં 2600 ખેલાડી લેશે. તથા ભાવનગરમાં બે રમત એક સ્થળે રમાશે. જેમાં 700 ખેલાડી અને દિલ્હીમાં બે રમત બે સ્થળે રમાશે જેમાં 900 ખેલાડી ભાગ લેશે તેમ જાણવા મળ્યું છે. નેશનલ સ્કીમ્સની કુલ 36 રમતો સાત શહેરમાં રમાશે. જેમાં તિરંદાજી, એથ્લેટિક્સ બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સીંગ હોકી, ફૂટબોલ, જીમ્મેસ્ટિક, કબડ્ડી, ખોખો, નેટબોલ, રોલર સ્કેટિંગ, સ્કેટ બોર્ડિંગ સોફ્ટબોલ, સ્વિમિંગ, ટેનિસ, ટ્રાયથોન, વોલીબોલ, યોગાસન વગેરેનો સમાવેશ થાય છે.
ગેમ્સના વિજેતા ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે
સુરતમાં ડુમસ બીચ પર યોજાનાર નેશનલ ગેમ્સના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં પ્રિ-ઇવેન્ટ પણ સુરતમાં યોજાશે. આગામી તારીખ 18મીથી 20 સપ્ટેમ્બર દરમ્યાન સુરત ખાતે નેશનલ ગેમ્સનું પ્રિ-ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. સુરત ખાતે યોજાનાર 36મા નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ સ્પર્ધા તા.20 થી 24 સપ્ટેમ્બર સુધી તથા બેડમિન્ટન સ્પર્ધા તા.1 થી 6 ઓક્ટોબર સુધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે અને બીચ વોલીબોલ સ્પર્ધા તા.6 થી તા.9 ઓક્ટોબર સુધી અને બીચ હેન્ડબોલ સ્પર્ધા તા.30 સપ્ટેમ્બરથી તા.4 ઓક્ટોબર સુધી ડુમસ બીચ ખાતે યોજાશે. અંતે તારીખ 12મી ઓક્ટોમ્બરના રોજ 36મી નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં વિવિધ ગેમ્સના વિજેતા ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે.