વચગાળાનું બજેટઃ કયા વિભાગને કેટલી ફાળવણી?
નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી: વચગાળાના બજેટમાં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ અન્ય ક્ષેત્રોમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. આ વચગાળાના બજેટમાં વિવિધ મંત્રાલયો માટે બજેટ નાણાકીય ફાળવણી કરવામાં આવી છે, જેમાં સંરક્ષણ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં આવકવેરામાંથી કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ અન્ય ક્ષેત્રમાં કેટલીક જાહેરાત કરાઈ છે. પીએમ મોદીએ આ બજેટને વિકસિત ભારતનું સ્વપ્ન-બજેટ ગણાવ્યું છે. ઉપરાંત, આ વર્ષે સંરક્ષણ મંત્રાલય બાદ માર્ગ અને પરિવહન મંત્રાલયના બજેટમાં પણ વધારો કરાયો છે. જાણીએ ક્યા વિભાગને કેટલા કરોડનું બજેટ ફાળવાયું…
સંરક્ષણ મંત્રાલય: વચગાળાના બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંરક્ષણ પર કહ્યું કે, અમે નવી ડીપ-ટેક ટેક્નોલોજી લાવીશું. આત્મનિર્ભરતાને આગળ વધારશે. વર્ષ 2023-24 માટે સંરક્ષણ બજેટ 6.02 લાખ કરોડ રૂપિયા હતું. જે ગત નાણાકીય વર્ષ કરતાં 13% વધુ હતું. આ વખતે તે વધીને 6.20 લાખ કરોડ રૂપિયા થયું છે. એટલે કે 3.4%નો વધારો થયો છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય: નીતિન ગડકરીના માર્ગ અને પરિવહન મંત્રાલયને 2.78 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ દેશમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને બજેટમાં પણ આ વખતે વધારો કરાયો છે.
રેલવે મંત્રાલય: આ બજેટમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રેલવે મંત્રાલયને 2.55 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2023માં રેલવે બજેટ 2.4 લાખ કરોડ રૂપિયા હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મોટા રેલવે કોરિડોરની પણ જાહેરાત કરી હતી. નાણા મંત્રીએ જાહેરાત કરી કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ગ્રાહક બાબતો અને ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય: વચગાળાના બજેટમાં આ મંત્રાલયને 2.13 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલય: આ બજેટમાં અમિત શાહની આગેવાની હેઠળના ગૃહ મંત્રાલયને 2.03 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જો કે, 2023-24ના બજેટમાં ગૃહ મંત્રાલયને 1.96 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે સરકારે ગૃહ મંત્રાલયનું બજેટ વધાર્યું છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલય: વચગાળાના બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને રૂ. 1.77 લાખ કરોડની રકમ અપાઈ છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયને 2023-24માં 1,57,545 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
આ સિવાય વિવિધ મંત્રાલયોના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રસાયણ અને ખાતર મંત્રાલયને 1.68 લાખ કરોડ રૂપિયા, સંચાર મંત્રાલયને 1.37 લાખ કરોડ રૂપિયા તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને 1.27 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.
આ પણ વાંચો: Budget 2024: ટેકનોલોજી ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું