મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત કુલ ૨૪,૪૫૧ શાળાઓમાં કેટલા કરોડનો કરવામાં આવ્યો ખર્ચ?

ગાંધીનગર, તા. 17 માર્ચ. 2025: શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ અંગે ચર્ચા કરતાં શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી ગુજરાતની શાળાઓમાં વર્લ્ડક્લાસ શિક્ષણ આપવું એ જ રાજ્ય સરકારનો નિર્ધાર છે. અમારી સરકાર ગુજરાતના ભાવિ નાગરિકો એટલે કે આજનાં વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તાયુકત શિક્ષણ આપવા કટિબદ્ધ છે. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણના મહત્વને સમજીને આ અંદાજપત્રમાં આ વર્ષે શિક્ષણ વિભાગને રૂ. ૫૯,૯૯૯ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે દાયકા પહેલા શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યોજનાઓ હવે લોક અભિયાન બની ચૂકી છે. તેમના જ કંડારેલ પથ પર આગળ વધીને રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને વધુ ગુણવત્તામય અને આધુનિક બનાવવા પ્રતિબદ્ધ છે.
કોઈપણ દેશનું ભવિષ્ય તેના યુવાનો અને બાળકોના હાથમાં હોય છે. આ બાળકોને સજ્જન અને સક્ષમ બનાવવા માટે શિક્ષણથી ઉત્તમ બીજું કોઈ માધ્યમ ન હોઈ શકે તેમ કહેતા મંત્રીએ કહ્યું હતું કે, પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્યમાં ત્રણ નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજનાઓ અમલી બનાવાઈ છે.
પ્રાથમિક શિક્ષણની સિદ્ધિઓ વિશે જણાવતાં મંત્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં કુલ ૫,૨૮,૩૬૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપાયો છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો-૧ થી ૫ માં ૫,૦૦૦ અને ધો-૬ થી ૮ માં ૭,૦૦૦ તથા ૧૮૫૨ અન્ય માધ્યમ માટે મળી કુલ ૧૩,૮૫૨ વિદ્યા સહાયકની ભરતીની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૯,૦૦૦ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત કુલ ૨૪,૪૫૧ શાળાઓમાં કુલ ૧,૦૬,૮૦૪ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ વિક્સાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પીએમશ્રી (GoG) શાળા યોજના શરૂ કરવા રૂ. ૧૦૬.૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે. ગુજરાતની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઓલિમ્પિક માટે તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી સાથે રહી તૈયારી કરાવવા માટે રૂ. ૫.૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
આગામી વર્ષના આયોજન વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૭૮૧.૬૦ કરોડની જોગવાઇ, નમો લક્ષ્મી યોજના માટે રૂ. ૧,૨૫૦ કરોડની જોગવાઇ, રાજયના અભ્યાસ અર્થે એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને એસ.ટી.બસ. પાસ ફી કન્સેશન માટે રૂ.૨૨૩.૦૦ કરોડની જોગવાઇ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨.૫૦ લાખ વિદ્યાર્થીઓને સહાય માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ યોજનાનો લાભ આપવા રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ તથા રાજ્યમાં ૮૫ સરકારી માધ્યમિક શાળાઓ અને ૫ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે રૂ.૧૩.૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૧૦,૪૪૫ શિક્ષકોને જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં ઓનલાઇન પધ્ધતિથી સંપૂર્ણ પારદર્શીતાથી બદલી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં જિલ્લા ફેરબદલી કેમ્પમાં ઓફલાઇન અને ઓનલાઇન પધ્ધતિથી કુલ ૯,૧૬૮ શિક્ષકોને વતનનો લાભ આપાયો છે.
માધ્યમિક શિક્ષણની સિદ્ધિ વિશે વાત કરતા મંત્રીએ કહ્યું કે, નમો લક્ષ્મી યોજના અંતર્ગત અંદાજિત ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અંદાજિત ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓને સહાયના હપ્તા ચુકવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ કલ્ચર ઉભુ કરવા અવેરનેસ પ્રોગ્રામ ચલાવવા માટે SSIP 2.0 લાગૂ કરવામાં આવી છે. SSIPનો લાભ રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ મેળવી શકે છે. આ યોજના માટે રૂ. ૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત રાજ્યમાં કરવામાં આવેલી કામગીરીની વિગત આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ૫ વર્ષની વધુ ઉંમર ધરાવતા બાળકો માટે બાલવાટિકા વર્ગની પ્રાથમિક શાળામાં શરૂઆત કરાઈ છે. આ ઉપરાંત વાચન, લેખન અને ગણનનો સર્વે, વૈદિક ગણિતનો અભ્યાસમાં સમાવેશ, બેગલેસ દિવસો, બોર્ડ એક્ઝામ રિફોર્મેશન જેવી બાબતોનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણોના અમલીકરણ માટે NEP ૨૦૨૦ ટાસ્ક ફોર્સ તેમજ એડવાઈઝરી કમીટી ફોર ઈમ્પલીમેન્ટેશન ઓફ એન.ઈ.પી. ૨૦૨૦ની રચના કરવામાં આવી છે.
શિક્ષણમાં ટેક્નોલોજીના ઉપયોગ વિશે જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિડીયો વોલ દ્વારા શાળાની પ્રવૃતિઓનું રીઅલ-ટાઇમ મોનીટરીંગ થાય છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરાઈ છે. આ ઉપરાંત PM-eVidya અંતર્ગત પ્રાપ્ત પાંચ ચેનલ્સ શરૂ કરાઈ છે. જેમાં ધોરણ ૧ થી ૪ તેમજ શિક્ષણ પ્રશિક્ષણના કાર્યક્રમો પ્રસારિત કરાય છે.
મંત્રી કુબેરભાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને ઓળખ અને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન હબ (i-Hub)”ની સ્થાપના કરાઈ છે. i-Hub હેઠળ ૧૧૨ સ્ટાર્ટઅપ્સના ૩૯૪ સભ્યો દ્વારા કો-વર્કિંગ સ્પેસનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. i-Hub દ્વારા ૫૩૬ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેટ કરવાના સાથે રૂ.૧૩.૦૦ કરોડની સ્ટાર્ટઅપ સૃજન સીડ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા શોધ યોજના હેઠળ પી.એચ.ડી. કોર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.૨.૦૦ લાખની આર્થિક સહાય આપાય છે. વર્ષ ૨૦૨૪-૨૫માં યોજના અંતર્ગત કુલ ૨૩૦૯ વિદ્યાર્થીઓને રૂ.૧૯.૧૮ કરોડની સહાય આપાઈ છે. વર્ષ ૨૦૨૫-૨૬માં શોધ યોજના માટે રૂ.૨૦.૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં પીએમ પોષણ યોજનાના અમલીકરણમાં ગુણાત્મક સુધારાઓ લાવવા માટે રાજ્ય સરકારે આધુનિક સેંટ્રલાઇઝ કિચનની સુવિધાઓનો વિસ્તરણનો કાર્યક્રમ હાથ ઘરાયો છે. રાજ્યના આદિજાતી વિસ્તારના ૫૨ તાલુકાઓ અને બિન આદિજાતી ૨૨ વિકાસશીલ તાલુકાઓની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને બપોરનું પૌષ્ટિક ભોજન આપવા રાજ્યમાં કેંદ્રીયકૃત રસોઇ સુવિધા કેન્દ્રની સ્થાપના માટે રૂ.૫૫૧.૪૯ કરોડની જોગવાઇ કરાઈ છે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત વાર્ષિક રૂ.૬૧૭.૬૭ કરોડના ખર્ચે “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવાની યોજના અમલમાં છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ ની રૂ. ૫૯,૯૯૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં મંજૂર કરાઈ હતી.
આ પણ વાંચોઃ મહિલાને ફ્રી સિમ કાર્ડ કચરાપેટીમાં ફેંકવાનું ભારે પડ્યું, બિલ જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ