ધર્મ

આજથી શરૂ થયેલા કમુરતા જાણો ક્યાં સુધી રહેશે, હવે પછી શુભકાર્યો ક્યારથી થશે

ગત દેવઊઠી એકાદશી બાદ શરૂ થયેલી લગ્નસરાની નવી સિઝન સાથે જ શહેરમાં લગ્નોની ભરમાર જોવા મળી રહી છે. લગ્નસરાના આરંભે ઓછા મુહૂર્તની સામે સંખ્યાબંધ લગ્ન આયોજનો દેખાઇ રહ્યા છે. એવામાં હવે આજ તા.16ના શુક્રવારે કમુરતાં શરૂ થવાની સાથે જ લગ્નસરા આડે એક મહિનાનો વિરામ રહેશે. સૂર્યદેવના રાશિ પરિવર્તનની સાથે જ ધનારક એટલે કે કમુરતાંનો આરંભ થશે. 16 ડિસેમ્બરના શુક્રવારે સવારે 9.59 વાગ્યાથી 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ નિમિત્તે રાત્રિએ 8.46 વાગ્યા સુધી ધનારકને કારણે લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે.

શું છે ધનારક અને મીનારક સમય ?

હિન્દુ સનાતન ધર્મમાં દરેક કાર્ય માટે યોગ્ય મુહૂર્ત નિશ્ચિત કરાયા છે. અમુક શુભ કાર્યો અમુક સમયમાં નિષેધ માનવામાં આવે છે. આવો જ એક સમય ધનારક અને મીનારક ગણવામાં આવે છે. સૂર્યદેવ ધન રાશિમાં અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાતિ ગણવામાં આવે છે. આ સમયને કમુરતાં કહેવામાં આવે છે. આ સમય લગભગ એક મહિનાનો હોય છે. તેમાં લગ્ન, સગાઇ, મૂંડન, પ્રાણપ્રતિષ્ઠા, નવવધૂ પ્રવેશ, ગૃહ આરંભ, ગૃહપ્રવેશ, વ્રત આરંભ કે પારણા સહિતના શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે. જ્યોતિષના જણાવ્યા પ્રમાણે, 16 ડિસેમ્બરે સવારે 9.59 વાગ્યે સૂર્ય ધન અને મૂળમાં પ્રવેશ કરે છે. તે દિવસે કાલાષ્ટમી, અષ્ટકા શ્રાદ્ધ છે. શુક્રવારે સવારે 9.59થી સાંજે 4.23 વાગ્યા સુધીનો પુણ્યકાળ છે. ધન રાશિમાં પ્રવેશ સાથે કમૂરતા શરૂ થઇ જશે. 14 જાન્યુઆરીના રોજ રાત્રિએ 8.46 વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થશે. તે દિવસ મકરસંક્રાંતિની ઉજવણી સાથે જ કમુરતાં પૂરા થશે.

14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની થશે ઉજવણી

14 જાન્યુઆરીએ દાનપર્વ, ગંગાસાગર ત્રિવેણી સંગમ સ્નાન પર્વ, સૂર્યપૂજા, તિલ સંક્રાંતિ, પોંગલ પર્વની રંગારંગ ઉજવણી થશે. હિન્દુ સમુદાયમાં દાનનું પર્વ ગણાતા મકરસંક્રાંતિની સાથે જ ઉત્તરાયણ પર્વ ઉજવાશે. પતંગ ઉડાડવાની મજા સાથે ધાર્મિક રીતે પણ મકરસંક્રાંતિ પર્વનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. ગૌશાળામાં તે દિવસે દાનનો મહિમા ગવાયો છે. સેવાકાર્યોની સોડમ સાથે ધાર્મિક ક્રિયા, અનુષ્ઠાનોનું આયોજન કરાશે. 14 જાન્યુઆરીએ કમુરતાં પૂરા થવાની સાથે જ ફરીવાર લગ્નસરાની રોનક દેખાશે.

મકરસંક્રાંતિની ઉજવણી બાદ 17 જાન્યુઆરીએ પહેલું મુહૂર્ત

જ્યોતિષીના જણાવ્યા મુજબ, 14 જાન્યુઆરીએ કમુરતાં ભલે પૂરા થઇ જશે, પરંતુ લગ્નનું પહેલું મુહૂર્ત 17 જાન્યુઆરીએ છે. જાન્યુઆરીમાં 17, 18, 25, 26, 27, 28, 31 તારીખે મુહૂર્ત છે. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં 1, 6, 7, 10, 11, 14, 16, 22, 23 તારીખે, માર્ચ માસમાં 8, 9, 10, 11,13 અને 14 તારીખે લગ્નમુહૂર્ત છે. 26 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી હોળાષ્ટક છે. જ્યારે 1 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ગુરુનો અસ્ત હોવાથી તે દિવસો દરમિયાન પણ લગ્નનું એકેય મુહૂર્ત નથી. હોળાષ્ટક અને ગુરુ, શુક્રનો અસ્ત હોય ત્યારે પણ લગ્ન કાર્યો વર્જિત માનવામાં આવે છે. આમ, હવે 16 ડિસેમ્બરે કમુરતાં શરૂ થયા બાદ એક મહિના સુધી લગ્નકાર્યો પર રોક રહેશે. ત્યારબાદ 17 જાન્યુઆરીથી ફરીવાર લગ્નસરાની ઝાકમઝોળ દેખાશે.

Back to top button