જાણો કૃષ્ણની કુંડળી કેવી હતી, શા કારણે તેઓ માખણચોર કહેવાયા અને રાસલીલા કરી?
વિકી રાજપૂતઃ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં મથુરામાં ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ વૃષભ રાશિમાં થયો હતો. આવો જાણીએ કૃષ્ણની કુંડળીમાંથી કે તેમનું જીવન કેવું હતું અને તેમના ગ્રહો શું કહે છે…
કૃષ્ણ 16 કલાઓથી નિપુણ કેમ હતા?
લગ્ન સ્થાને ચંદ્ર હોવાને કારણે ભગવાન કૃષ્ણ આકર્ષક વ્યક્તિત્વના માલિક હતા. શુક્ર-ચંદ્ર કેન્દ્રમાં છે અને સૂર્ય ચોથા ઘરમાં સ્વરાશિમાં સ્થિત છે. કૃષ્ણની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચ રાશિમાં છે અને એક ગ્રહ સ્વરાશિનો છે. આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ 16 કલાઓથી ભરપૂર હતા.
કેમ કૃષ્ણ જગદગુરુ કહેવાયા?
ચોથા ભાવમાં શુક્રના સ્થાનને કારણે તેમને ઉચ્ચ કક્ષાનું વૈભવી જીવન મળ્યું. મિત્રો તરફથી પણ ઘણો સહયોગ મળ્યો. કૃષ્ણની કુંડળીમાં ગજકેસરી યોગ પણ છે. લગ્ન સ્થાને ઉચ્ચનો ચંદ્ર હોવાથી તેમના ભક્તો તરફ તેઓ હંમેશા ભાવુક રહે છે. ત્રીજું ઘર જે શિષ્યો-અનુયાયીઓનું ઘર પણ છે માટે તેથી જ તેમને સમગ્ર વિશ્વ પોતાના ગુરુ માને છે.
કૃષ્ણ અસાધારણ બુદ્ધિ ધરાવતા હતા
એકાદશેશ ત્રીજા ઘરમાં સ્થિત હોવાને કારણે આ વ્યક્તિ તેના ભાઈ-બહેનોમાં સૌથી નાનો હોય છે, જે કુંડળી પરથી પણ સ્પષ્ટ થાય છે. ત્રીજા ઘર પર મંગળ અને શનિની દૃષ્ટિને કારણે તેમના ભાઈ-બહેનોમાંથી કોઈ બચી શક્યું નહીં. બીજા ઘરનો સ્વામી પંચમ ભાવમાં ઉચ્ચ હોવાથી કૃષ્ણ અસાધારણ બુદ્ધિ ધરાવતા હતા અને કલાપ્રેમી પણ હતા.
હંમેશા શત્રુ સામે વિજય થાય તેવા યોગ
ભાગ્યેશ અને દશમેશ કે જે શનિ છે. તે શત્રુસ્થાને છે તેથી જ તેઓ રાક્ષસોનો વધ કરી શક્યા હતા. કૃષ્ણએ શિશુપાલ, દંતવક્ર, કંસ વગેરે જેવા તમામ રાક્ષસોનો વધ કર્યો હતો. આ ઉપરાંત છઠ્ઠા ઘરમાં શનિ અને રાહુની સ્થિતિને કારણે તેમને માખણ ચોર કહેવામાં આવે છે. છઠ્ઠા ઘરમાં ચંદ્ર અને શુક્ર બંને કેન્દ્રમાં છે. જેના કારણે તેમની મોહિની ત્રિભંગી મુદ્રા દેખાય છે.
એક પ્રખર સાધક પણ બન્યાં
અંતે શ્રી કૃષ્ણની રાસલીલાની વાત કરીએ તો, સાતમા સ્વામી મંગળ અને આઠમા સ્વામી ગુરુ વચ્ચે દૃષ્ટિસંબંધ છે. સાતમું ઘર ધ્યાનનું ઘર છે અને આઠમું ઘર સમાધિનું ઘર છે. આ બંને ઘરોના સ્વામીઓના સંબંધને કારણે યોગની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, જેના કારણે કુંડલિની જાગ્રત થાય છે અને સહસ્ત્ર ચક્ર પર હજારો કમળ ખીલી ઉઠે છે.
કુંડળીમાં મૃદંગ અને વીણા યોગ
શ્રીકૃષ્ણની જન્મકુંડળીમાં લગ્નેશ વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચનો હોવાથી મૃદંગ યોગ બને છે. જેના કારણે શ્રીકૃષ્ણ કુશળ શાસક અને લોકપ્રિય બન્યા હતા. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ચંદ્ર વૃષભ લગ્નમાં હોય ત્યારે જાતક લોકપ્રિય અને કુશળ પ્રશાશક બનતો હોય છે. કૃષ્ણની કુંડળીના બધા ગ્રહો વીણા યોગનું પણ નિર્માણ કરે છે. જેને કારણે તેઓ ગીત-નૃત્ય અને સંગીત-કલાના સારા જાણકાર હતા.
કૃષ્ણની કુંડળીમાં મોટા ભાગના ગ્રહ ઉચ્ચના
આ સિવાય કૃષ્ણની કુંડળીમાં પર્વત યોગ પણ બને છે. જેને કારણે તેઓ પરમ યશસ્વી બન્યાં. પાંચમા સ્થાનમાં બુધ ઉચ્ચનો હતો તેથી તેઓ કુટનિતીજ્ઞ વિદ્વાન બન્યાં અને મકર રાશિમાં ઉચ્ચનો મંગળ હોવાથી યશસ્વી યોગ સાથે તેઓ પૂજનીય પણ બન્યાં. અગિયારમાં ભાવમાં મેશ રાશિમાં ઉચ્ચનો સૂર્ય હોવાથી ભાસ્કર યોગનું નિર્માણ થયું. જેને કારણે કૃષ્ણ પરાક્રમી, વેદાંતી, ધીરજવાળા અને સમર્થ્યવાન બન્યાં. તેટલું જ નહીં તેઓ એવા જ્યોતિષી પણ હતા જેમને જોટો મળવો મુશ્કેલ છે. આવી કુંડળી હજારો વર્ષમાં એકવાર બનતી હોય છે. આવા કેટલાંક સંયોગ રચાય ત્યારે જ ભગવાન જન્મ લેતા હોય છે.