વિશેષસ્પોર્ટસ

ગરીબી અને ગુંડાગર્દી વચ્ચે વીત્યું હતું બાળપણ તેમ છતાં મહાનતા મેળવી!

Text To Speech

15 જૂન, અમદાવાદ: દરેક સફળ વ્યક્તિ પાછળ નાનો-મોટો સંઘર્ષ જરૂર હોય છે. આ સંઘર્ષ વેઠ્યા પછી જ વ્યક્તિ  મહાન બનતો હોય છે. જે લોકો આ સંઘર્ષને અધવચ્ચે જ છોડી દેતા હોય છે તેઓ મહાન બની શકતા નથી. વેસ્ટ ઇન્ડિઝના મહાન T20 ખેલાડી ગરીબી અને ગુંડાગર્દી વચ્ચે ઉછર્યા હતા તેમ છતાં તેમણે જાતમહેનત અને વિશ્વાસ થકી પોતાની મહાનતા મેળવી હતી. ચાલો જાણીએ વેસ્ટ ઇન્ડિઝના આ ખેલાડીના જીવનના સંઘર્ષ વિશે.

કાયરન પોલાર્ડ આ નામ ક્રિકેટ પ્રેમીઓ માટે નવું નથી. બલકે દુનિયાના કોઇપણ ખૂણે જ્યાં ક્રિકેટ રમાય છે અથવાતો જોવાય છે, કાયરન પોલાર્ડ એક મોટું નામ છે. પરંતુ પોલાર્ડનું બાળપણ અત્યંત સંઘર્ષમય રહ્યું હતું. કાયરન પોલાર્ડના પિતા કાયરનના જન્મ બાદ તુરંત જ તેમને અને તેમની માતાને છોડીને જતા રહ્યા હતા. આથી નાનકડા કાયરનને  ઉછેરીને મોટો કરવાની, તેના અને પોતાના બે સમયના ભોજનની તેમજ તેના ભણતરના ખર્ચની તમામ જવાબદારી તેની માતા ઉપર આવી ગઈ હતી.

પુત્રને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતા કાયરન પોલાર્ડની માતાએ ઘણી વખત એક વખતનું કે ક્યારેક બંને સમયનું ભોજન નહોતું કર્યું. આટલી બધી તકલીફ હોવા છતાં કાયરન પોલાર્ડને તેમણે ભણાવ્યો અને ક્રિકેટનું કોચિંગ પણ અપાવ્યું હતું. કાયરન પોલાર્ડ અને તેમની માતા ટ્રીનીદાદ એન્ડ ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેનના અત્યંત ગરીબ તેમજ ખતરનાક વિસ્તારમાં રહેતા હતા.

આ વિસ્તારનું નામ હતું ટકારીગુઆ. અહીં ગરીબી અને ગુંડાગર્દી રાજ કરતા હતા. હંમેશાં ઝઘડો કરવો, કે કોઈનું ખૂન કરી દેવું તે અહીં સામાન્ય હતું. આ ઉપરાંત ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓનું પણ જબરદસ્ત જોર હતું. આવા વાતાવરણમાં કોઇપણ છોકરો બગડી જાય અને એ પણ ગુંડાગર્દીના રસ્તે નીકળી પડે.

પરંતુ કાયરન પોલાર્ડ નોખી માટીના હતા. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારી આસપાસ ગુનાખોરીનું રાજય હતું. ડ્રગ્સ આસાનીથી  મળી જતા હતા, પરંતુ મેં ક્યારેય એ તરફ ધ્યાન આપ્યું જ નહીં. મેં સતત મારા અભ્યાસને મહત્વ આપ્યું અને પંદરમાં વર્ષે મેં ક્રિકેટનું કોચિંગ લેવાનું શરુ કર્યું.

કાયરન પોલાર્ડ વેસ્ટ ઇન્ડિઝ તરફથી T20I રમ્યા છે અને તેઓ IPLમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. હાલમાં ચાલી રહેલા ICC T20 World Cup 2024માં ઇંગ્લેન્ડની ટીમ માટે બેટિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.

Back to top button