800 કરોડની કંપનીના માલિક જયસુખ પટેલનો જેલની 9 નંબરની ખોલીમાં મુકામ થયો છે. જેમાં ઘડિયાળ બનાવતી અજંતા-ઓરેવાના માલિકને જેલમાં ઘરનું ગાદલું-ઘરનું ટિફિન મળ્યો છે. મોરબી પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા તેના બે મેનેજર અને ક્લાર્ક સાથે ખોલીમાં દિવસો વિતાવવા પડે છે. અહીં માત્ર તેઓને ઘરના ગાદલા અને ઘરના ભોજનની વિશેષ સુવિધા અપાઇ છે.
નંબર 9માં તેમની જ કંપનીના ચાર કર્મચારીઓને પણ રાખવામાં આવ્યા
800 કરોડની કંપનીનું સામ્રાજ્ય ધરાવતા અને વિશ્વને સમય જોવા માટે ઘડિયાળ સહિતના અનેક ડિજિટલ ઉત્પાદનો આપનાર અજંતા – ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની જિંદગીનો સમય ઝૂલતા પુલની દુર્ઘટનાએ બદલાવી નાખતા હાલમાં તેઓ મોરબી જેલમાં ખોલી નંબર 9માં કાચા કામના કેદી તરીકે સમય કાપી રહ્યા છે. ઉદ્યોગ જગતમાં મોટું સ્થાન ધરાવતા જયસુખ પટેલને મોરબી જેલમાં કોઈ વિશેષ સવલતો મળી નથી, પરંતુ ઘરના ગાદલા અને ઘરનું ટિફ્નિ જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેલ મેન્યુઅલ મુજબ તેમની સાથે ખોલી નંબર 9માં તેમની જ કંપનીના ચાર કર્મચારીઓને પણ રાખવામાં આવ્યા છે.
ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા
ગત 30મી ઓક્ટોબરના રોજ મોરબીના ઇતિહાસમાં ગોઝારી કહી શકાય તેવી દુર્ઘટનામાં અજંતા – ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં અગાઉ અજંતા – ઓરેવા કંપનીના બે મેનજર, ટિકિટબારી ક્લાર્ક, બે કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ગાર્ડ સહીત 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરતા સમયે પૂરતા પુરાવા મળતા અજંતા – ઓરેવા કંપનીના મેનજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી જાહેર કરી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસના અનેક પ્રયાસો બાદ પણ જયસુખ પટેલ હાથ લાગ્યા ન હતા. ત્યારબાદ કોર્ટ મારફ્તે પકડ વોરંટ ઈસ્યુ થતા ગત 31 જાન્યુઆરી 2023ના રોજ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરન્ડર કર્યું હતું.
ઘરના ગાદલા અને ઘરના ભોજનની વિશેષ સુવિધા
ત્યારબાદ પોલીસ રિમાન્ડ સહિતની કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઇ તા. 8ના રોજ જયસુખ પટેલને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવા હુકમ થતા એશોઆરામની જિંદગી જીવતા અને રૂપિયા 800 કરોડનું સામ્રાજ્ય ધરાવતા જયસુખ પટેલ મોરબી સબજેલમાં હાલમાં જેલ મેન્યુઅલ મુજબ દિવસો પસાર કરી રહ્યા છે, જેલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મોરબી જેલમાં તેઓને કોઈ વીઆઈપી કહી શકાય તેવી સુવિધા આપવામાં આવી નથી. અહીં માત્ર તેઓને ઘરના ગાદલા અને ઘરના ભોજનની વિશેષ સુવિધા અપાઇ છે.