જાણો કેવી રીતે મીનીટોમાં ઉમેદવારના ભાવિનો ફેસલો કરી દે છે EVM
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના મતદાનની મત ગણતરી 8 ડિસેમ્બરે એટલે કે આવતી કાલે યોજાનાર છે. આ માટે દરેક જિલ્લાઓના મતગણતરી મથકો પર પૂરતી તૈયારીઓ થઇ ચુકી છે. આવતી કાલે સવારે 8 વાગ્યાથી તમામ મતગણતરી કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને કારણે મતગણતરીમાં માત્ર ગણતરીના કલાકોનો જ સમય લાગે છે. જોકે હવે VVPAT વેરિફિકેશન ફરજિયાત બનતાં અંતિમ પરિણામ જાહેર કરવામાં સમય લાગી રહ્યો છે. ત્યારે આજે મતગણતરીના કેન્દ્રો અને તેની મતગણતરીને લઇને દરેકના મનમાં અનેક સવાલ પણ ઉદ્ભવતા હશે. ત્યારે આજે અમે તમને મતગણતરી અને પરિણામો સાથે જોડાયેલા તમામ સવાલના જવાબ જણાવીશું.
EVMને કાઉન્ટિંગ હોલ સુધી લઇ જવામા ખાસ સુરક્ષા
મતદાન પૂર્ણ થયા બાદ EVMકાઉન્ટિંગ હોલ સુધી લઇ જવા માટે તમામ નિયમોનું પાલન કરવું પડે છે. જો મતગણતરી હોલ અને સ્ટ્રોંગ રૂમ વચ્ચે લાંબું અંતર હોય તો બંને વચ્ચે બેરિકેડિંગ હોવું જોઈએ, જેના વચ્ચેથી EVMને કાઉન્ટિંગ હોલમાં લઈ જવામાં આવશે અને તેની સુરક્ષા માટે મતગણતરીના દિવસે વધારાના સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમથી કાઉન્ટિંગ હોલ સુધી EVMની હિલચાલ રેકોર્ડ કરવામાં આવશે, જેથી કોઈ ચેડાં ન કરી શકે. સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલના સ્થાનને લઈને પણ ઘણા નિયમો છે. જેનું ચુસ્ત પણે પાલન કતરવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદ જિલ્લાની 21 બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ, આ જગ્યાએ થશે મતગણતરી
મતગણરીમા રિટર્નિંગ ઓફિસરની ભુમિકા
મતગણતરીમાં રિટર્નિંગ ઓફિસરની પણ ખુબ મોટી ભુમિકા રહેલી છે. મતગણતરીના કેન્દ્ર પર EVM પહોંચાડવાથી લઈને પરિણામ જાહેર કરવા સુધીની સંપૂર્ણ જવાબદારી રિટર્નિંગ ઓફિસરની સંભાળતા હોય છે. મતગણતરી દરમિયાન ઉમેદવારોને તેમના કાઉન્ટિંગ એજન્ટ અથવા ચૂંટણી એજન્ટ સાથે મતગણતરી કેન્દ્ર પર રહેવાની મંજૂરી આપવામાં આવે છે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની દેખરેખ કાઉન્ટિંગ એજન્ટો કરે છે. જે-તે અધિકારી મતગણતરી કરતાં પહેલાં EVMનું સીલ પક્ષના એજન્ટોની સામે ખોલે છે.
મતગણરી કેવી રીતે થાય છે ?
સૌથી પહેલા પોસ્ટલ બેલેટ મતોની ગણતરી કરવામાં આવે છે. ત્યાર બાદ EVM મતોની ગણતરી શરૂ થાય છે. તમામ પ્રકારના મતોની ગણતરી દરમિયાન રિટર્નિંગ ઓફિસર હાજર રહે છે. જો મતગણતરી દરમિયાન EVMમાં કોઇ ખરાબી જણાય અથવા VVPATસ્લિપમાં કોઈ ગળબળ જોવા મળે છે, તો ચૂંટણીની દેખરેખ રાખતા રિટર્નિંગ ઓફિસર તરત જ ચૂંટણીપંચને જાણ કરશે.
મતગણતરીના કેટલા તબક્કામાં થાય છે ?
મતગણતરી કેન્દ્રમાં 14 ટેબલ હોય છે. આ ઉપરાંત રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વર માટે એક-એક ટેબલ હોય છે. ઉમેદવાર અથવા તેના એજન્ટને મતગણતરી કેન્દ્રમાં હાજર રહેવાની છૂટ છે. . મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થાય. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે છે. અડધા કલાક બાદ EVM મતોની ગણતરી શરૂ થાય છે. દરેક રાઉન્ડ બાદ પરિણામના આંકડાની લાઉડસ્પીકર દ્વારા ઘોષણા કરવામાં આવે છે.
કાઉન્ટિંગ હોલમાં કોને એન્ટ્રી મળે ?
મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ ફોન પર પ્રતિબંધ હોય છે. માત્ર ઓફિશિયલ કેમેરાથી વીડિયો રેકોર્ડિંગ થાય છે. મીડિયાને ત્યાં એંટ્રી મળતી નથી. કેન્દ્ર પર માત્ર કાઉન્ટિંગ સુપરવાઈઝર્સ, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ્સ અને માઈક્રો-ઓબ્ઝર્વર્સ, ચૂંટણીની કામગીરી માટે કાર્યરત સરકારી કર્મચારીઓને પ્રવેશ મળે છે, જેમાં પોલીસ અને મંત્રી સામેલ નથી. ઉમેદવાર, એજન્ટ, કાઉન્ટિંગ એજન્ટ્સ આ લોકો કાઉન્ટિંગ હોલમાં જઈ શકે છે.
કાઉન્ટિંગ ટેબલ પર કોણ બેસે છે ?
મતગણતરી દરમિયાન કાઉન્ટિંગ ટેબલ પર બેસવા માટે ખાસ મંજૂરી મળે છે. મતગણતરી કરનાર અધિકારીઓને ત્રણ સ્ટેજ પર રેન્ડમ સિલેક્ટ કરવામાં આવે છે. આર.ઓ. કાઉન્ટિંગ સ્ટાફની નિયુક્તિ કરે છે. કેટલાક સ્ટાફને રિઝર્વ રાખવામાં આવે છે. દરેક કાઉન્ટિંગ ટેબલ પર એક સુપરવાઈઝર રહે છે. અને એમાં જો ગેઝેટેડ ઓફિસર હોય તો વધુ સારું રહે છે. એક-એક ટેબલ પર એક-એક રિટર્નિંગ ઓફિસર બેસે છે અને એક પક્ષનો એજન્ટ.
મતગણતરીમાં VVPAT વેરિફિકેશન
મતગણતરીમાં VVPAT વેરિફિકેશન અનિવાર્ય હોય છે. કાઉન્ટિંગની પારદર્શિતા માટે VVPATની સાથે મતની સરખામણી થાય છે. જેના વગર ફાઈનલ પરિણામ જાહેર કરવું મુશ્કેલ છે. VVPAT મશીનને માત્ર પોલિંગ અધિકારી જ એક્સેસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક વિધાનસભા ક્ષેત્રની માત્ર પાંચ પોલિંગ બૂથના VVPATની કાપલીઓને EVMના મત સાથે સરખાવવામાં આવે છે. વીવીપેટ વેરિફિકેશન કર્યા બાદ પર પરિણામ જાહેર થઈ શકે છે. જો VVPATની કાપલી અને EVMની મતગણતરી સરખી ન હોય તો વીવીપેટની સ્લિપ ફરીથી ગણવામાં આવે છે. જો તોપણ આંકડાઓમાં તફાવત આવે તો વીવીપેટના મતના આંકડાને ફાઈનલ માનવામાં આવે છે.
મતગણતરી બાદ EVM ક્યાં રાખવામાં આવે છે ?
તમામ વોટનું કાઉન્ટિંગ થયા બાદ રિટર્નિંગ ઓફિસર (આર.ઓ) વિજેતા ઉમેદવારને જીતનું સર્ટિફિકેટ આપે છે. અને જો કોઈ ઉમેદવારને શંકા છે તો તે 45 દિવસની અંદર ફરીથી મતદાનની માગ કરી શકે છે. એકવાર પરિણામની જાહેરાત થયા બાદ તમામ EVMને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે છે. શરૂઆતની જેમ ત્યારે પણ ચૂંટણી અધિકારી સિવાય ઉમેદવાર કે તેના પ્રતિનિધિ હાજર રહે છે. તેમની સહી પણ લેવામાં આવે છે. ચૂંટણીપરિણામ જાહેર થયાં બાદ 45 દિવસ બાદ EVM એ જ સ્ટ્રોંગ રૂમમાં રખાય છે. ત્યાર બાદ એને કડક સુરક્ષાની સાથે મોટા સ્ટોરેજ રૂમમાં શિફ્ટ કરી દેવાય છે. દેશભરમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી થતી જ રહે છે. જરૂર પડ્યે EVMને સ્ટોરેજ રૂમમાંથી કાઢીને જે-તે સ્થળે પહોંચાડવામાં આવે છે. આ તમામની વચ્ચે ચૂંટણી આયોગ EVMની વારંવાર તપાસ કરતું રહે છે.