T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

ગઈકાલની મેચમાં ભારતને 5 રન્સ પેનલ્ટીના કેમ મળ્યા? જાણો આ નવો નિયમ વિસ્તારથી

Text To Speech

13 જૂન, ન્યૂયોર્ક: ગઈકાલે જ્યારે ભારત અને યુએસએ વચ્ચેની મેચ એકદમ રસપ્રદ વળાંક પર પહોંચી હતી ત્યારે જ એક એવી ઘટના બની જેણે મેચને સમગ્ર રીતે ભારત તરફ કરી દીધી હતી. આ ઘટના એ ICCના નવા 5 પેનલ્ટીના રનના નિયમને કારણે ઘટી હતી જેને લીધે ભારતને મોટો ફાયદો અને યુએસએને મોટો ગેરફાયદો થયો હતો. જેમને પણ આ 5 રન્સ પેનલ્ટીના કેવી રીતે મળ્યા તેના વિશે ખબર ન હોય તે આ સ્ટોરી જરૂર વાંચે.

ICC વનડે મેચો અને T20 મેચોમાં ઝડપ વધે અને સમય ઓછામાં ઓછો ગુમાવવાનો આવે તે માટે વધુને વધુ કડક નિયમો બનાવી રહ્યું છે. અગાઉ એક એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે વનડે અને T20Iની એક ઇનિંગ જો નક્કી કરેલા ટાઈમમાં પૂર્ણ કરવામાં ન આવે તો ટાઇમ પૂર્ણ થયા પછીની તમામ ઓવરોમાં સર્કલ બહાર એક ફિલ્ડર ઓછો રાખવાની પેનલ્ટી કરવી. જો કોઈ કેપ્ટન એક વખત આ નિયમ તોડે તો તેની મેચ ફીના 25%, બીજી વખત તોડે તો મેચ ફીના 50% અને ત્રીજી વખત એક જ સિરીઝમાં આ નિયમ તોડે તો તેને એક કે તેથી વધુ મેચો માટે બેન કરી દેવામાં આવે. આપણે આ વર્ષની IPLમાં પણ આ નિયમનો અમલ ઋષભ પંત સામે થતો જોયો છે.

આ નિયમ અમલી હોવા છતાં હજી પણ અમુક કપ્તાનો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા તે જોઇને ICCએ હવે ત્રણેય ફોર્મેટમાં એક નવો નિયમ આપ્યો છે કે બે ઓવર્સ વચ્ચેનું અંતર 60 સેકન્ડ્સ એટલેકે 1 મિનીટ કે તેનાથી ઓછું હોવું જોઈએ. સરળ શબ્દોમાં સમજીએ તો એક ઓવર પતે અને બીજી ઓવર શરુ થાય તે વચ્ચે એક મિનીટથી પણ ઓછો સમય લાગવો જોઈએ.

જો કોઈ ટીમ આ નિયમનું પાલન એક જ ઈનિંગમાં ત્રણ વખત ન કરે તો સામેની ટીમને 5 રન્સ પેનલ્ટીના આપી દેવા. ગઈકાલની મેચમાં પણ આમ જ બન્યું હતું. યુએસ ટીમના કેપ્ટન એરોન જોન્સે બે વખત બે ઓવર વચ્ચે એક મિનીટ કરતાં વધુ સમય લીધો અને જ્યારે ભારતને 30 બોલ્સમાં 35 રન્સની  જરૂર હતી ત્યારે તેણે ત્રીજી વખત એ ભૂલ કરી પરિણામે બોલિંગ એન્ડ પરના ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોલ રાઈફલે ભારતની તરફેણમાં 5 પેનલ્ટીના રન્સ આપવાનો ઈશારો કરી દીધો હતો.

આમ, એક સમયે ભારતે 30 બોલ્સમાં 35 રન્સ કરવાના હતા તેને સ્થાને અચાનક જ તેને આ નવા નિયમનો લાભ મળતાં 30 બોલ્સમાં 30 રન્સ બનાવવાના આવતા તેના માટે ટાર્ગેટ ચેઝ કરવો સરળ બની ગયું હતું.

Back to top button