જાણો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની એન્ટ્રીથી લઈ એક્ઝિટ સુધીની સમગ્ર વિગતો
અમદાવાદ : આજથી એક મહીના માટે શરુ થઈ રહેલા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે શરુ થઈ રહ્યો છે. જે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર રીંગ રોડના કિનારે 600 એકર જમીન પર ભવ્યાતિભવ્ય વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામા આવ્યું છે. આજથી લાખો હરિભક્તો અને મુલાકાતીઓ મુલાકાત કરશે. તેમજ આ શતાબ્દી મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ લોકો અહી મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે. જેને પગલે મુલાકાતીઓના સંચાલન તેમજ સુવિધાનું ખૂબ ચીવટપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ આ શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓને પણ હવે ડિજિટલાઇઝેશનનો લહાવો પણ મળશે. હવે લાખો અનુયાયીઓ ને મુલાકાતીઓ ધારે તો સિંગલ ક્લિકમાં અનેક સુવિધાઓ મેળવી શકશે.
શતાબ્દી મહોત્સવની તૈયારીઓ
આ શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશથી લાખો હરિભક્તો આવી રહ્યા છે. જેને પગલે તેમને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શતાબ્દી મહોત્સવની તૈયારીઓમાં અનેક સ્વયંસેવકોએ ખડે પગે સેવા આપી રહ્યા છે. તે સાથે જ વ્યવસ્થા સચવાય એ માટે હવે PSM 100 નામની એપ્લિકેશન બનાવાઈ છે. ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ એવી આ એપ્લિકેશન દ્વારા પ્રચાર-પ્રસાર જ નહીં, પણ પરિવહન પણ કંટ્રોલ કકરી શકાશે. શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવનારની મદદ કરવાના ઉદ્દેશ સાથે ખાસ ડિઝાઈન કરેલી આ એપ્લિકેશન 24×7 યુઝર્સને સપોર્ટ કરશે.
પાર્કિંગ, યાત્રા માર્ગદર્શન અને ક્યૂઆર કોડ એમ ત્રણ ઓપ્શનનો લાભ ઉપલબ્ધ છે આ એપ્લિકેશનમાં
PSM 100 આ એપ્લિકેશન એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવશે. આ એપ્લિકેશનમાં યુઝર્સને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષાના ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. ત્રણમાંથી કોઈ એક ભાષાની પસંદ કરી મુલાકાતી કે હરિભક્ત માટે અનેક સુવિધાઓ ડિજિટલી ઉપલબ્ધ થઈ જશે.
આ એપ્લિકેશનના એક ઓપ્શન એવા યાત્રા માર્ગદર્શનની વાત કરીએ તો તેના પર ક્લિક કરતાની સાથે જ તમને ગુગલ મેપમાં સીધો રુટ મળી જશે. જેની મદદથી તમે તમારા શહેર, ગામ કે સોસાયટીમાંથી સીધા આ શતાબ્દી મહોત્સવ પહોંચી શકો છો.
આ એપ્લિકેશનના બીજા ઓપ્શનની વાત કરીએ તો એ છે કાર પાર્કિંગ. ટેકનોલોજીના ઉપયોગથી મુલાકાતીઓ માટે કાર પાર્કિંગ ખૂબ સરળ બનાવાયું છે. જેમાં પાર્કિંગ સ્થળે પહોચ્યા પછી, નજીકના ક્યૂઆર કોડ સ્કેન કરીને પાર્કિંગ સ્પેસ મેળવી શકાય છે તેમજ મુલાકાતી જયારે પરત જવા નીકળે ત્યારે પણ આ વિશાળ પાર્કિંગમાંથી તે પોતાની કારને આસાનીથી શોધી શકે તે માટે પણ ક્યૂઆર કોડ સ્કેન કરી શોધી શકશે.
ત્રીજો અને છેલ્લો ઓપ્શન એ છે તમે એન્ટ્રીથી લઈને અન્ય સુવિધાઓ ક્યાં છે.. ત્યાંથી માંડીને ખાણી-પીણી સુધીની દરેક નાની થી નાની માહિતી અહી મળી જશે.
તેમજ આજથી ચાલુ થઈ રહ્યા આ એક મહિનાના ઉત્સવનું ઉદ્ધાટન પીએમ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ શતાબ્દી મહોત્સવમાં ઉદ્ધાટન થી લઈને આખા મહિનાના દરેક કાર્યક્રમની માહિતી તેમને આ એપ્લીકેશનથી મળી રહેશે. આ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મુલાકાતીઓ ને ઓછો ભીડો ઉઠાવો પડશે અને સરળતથી આ અવસરનો લાવો માણી શકે.
નિ:શુલ્ક પ્રવેશ
15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી આ શતાબ્દી મહોત્સવમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન સૌ કોઈ માટે નિ:શુલ્ક પ્રવેશ રહેશે. તે માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભીડ અને અણબનાવને ધ્યાનમાં રાખીને બે વાગ્યા પહેલાનો સમય હરિભક્તો માટે આરક્ષિત કરવામાં આવ્યો છે. તેમજ આ હરિભક્તોનું તારીખ મુજબ આવવા માટે રજિસ્ટ્રેશન જે-તે દેશ, શહેરના સત્સંગ પ્રવૃત્તિ સેન્ટ્રલ ઓફીસ અને સત્સંગ પ્રવૃત્તિના કાર્યકરો દ્વારા જ કરવામાં આવ્યું છે. દર્શનાર્થી માટે પણ કોઈ પણ પ્રકારની ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેર લિંક, વેબસાઈટ કે એપ નથી. અ સાથે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના પ્રી-રજિસ્ટ્રેશન વગર જાહેર જનતા દરરોજ બપોરે 2.00 વાગ્યા પછીથી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે.
આ પ્રવેશદ્વારોથી કરી શકાશે પ્રવેશ
પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશ માટેના કુલ 7 પ્રવેશ દ્વાર છે. જેમાં 1 પ્રવેશ દ્વાર VVIP માટે છે. જયારે બાકીના 6 પ્રવેશદ્વારોથી સામાન્ય ભક્તો નગરમાં પ્રવેશ મેળવી શકશે. તેમજ આ અન્ય સુવિધા પણ ઉપલબ્ધ છે :
- બાળક કે કોઈ વસ્તુ ખોવાઈ તો તો 250 સ્વયંસેવકો મદદ માટે હાજર
- 30 જેટલી પ્રેમવતીઓ ઉપલબ્ધ જેમાં પાઉંભાજીથી ખીચડી સહીતની વસ્તુઓ ઉપલબ્ધ
- પાર્કિંગ વ્યવસ્થા માટે 2500થી પણ વધુ સ્વયંસેવકો