વિશેષસ્પોર્ટસ

જાના થા કોલકાતા પહુંચ ગયે ગુવાહાટી ઔર વારાણસી

7 મે કોલકાતા: IPLની એક જ બાજુ લોકો જુએ છે અને તે છે તેની ઝાકમઝોળ. પરંતુ જે ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ તેનો હિસ્સો છે તેમણે સતત ટ્રાવેલિંગ કરવાનું હોય છે. ઘણી વખત આ ટ્રાવેલિંગ લાંબુ અને કંટાળાજનક ઉપરાંત ખતરનાક પણ હોય છે. લખનઉથી કોલકાતા જનારી KKRની ટીમને બે દિવસ અગાઉ આવો જ અનુભવ થઇ ગયો હતો.

વાત એમ બની કે લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ બે દિવસ અગાઉ લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ રવિવારે રમાઈ હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સની પછીની મેચ છેક આવનારા શનિવારે નક્કી કરવામાં આવી છે.

આથી કોલકાતાના ખેલાડીઓ એ મૂડમાં હતા કે હવે આવનારા અઠવાડિયાનો મોટો ભાગ તેઓ આરામ કરીને રીફ્રેશ થવામાં ગાળશે. પરંતુ કુદરતને તો બીજું જ મંજુર હતું. લખનઉથી KKRના ખેલાડીઓને લઈને તેમના ચાર્ટર્ડ પ્લેને કોલકાતા તરફ ઉડાન તો ભરી પરંતુ તે સમયે કોલકાતામાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો હતો.

આથી અધવચ્ચે આ પ્લેનને ગુવાહાટી જવાનો આદેશ આપવામાં આવ્યો. પ્લેન ગુવાહાટી સુખરૂપ પહોંચી પણ ગયું. ત્યારબાદ અમુક કલાક રાહ જોયા પછી કોલકાતામાં વરસાદ પૂરો થયો હોવાનું જાણવા મળતાં પ્લેને ફરીથી પોતાના ગંતવ્ય તરફ ઉડાન ભરી.

પરંતુ, KKRની ટીમના નસીબ  હજી પણ વાંકા હતા આથી કોલકાતામાં ફરીથી વરસાદ ચાલુ થયો, આથી હવે આ ચાર્ટર્ડ પ્લેનને વારાણસી ઉતરવાનો આદેશ આપવામાં આવ્યો. મોડી રાત થઇ ગઈ હોવાથી અને વરસાદનું કશું નક્કી ન હોવાથી ટીમે વારાણસીની હોટલમાં જ રાત રોકાઈ જવાનો નિર્ણય કર્યો.

આમ સોમવારે લખનઉથી પોતાના હોમ ટાઉન જવા નીકળેલી ટીમે છેક મંગળવારે પોતાના ગંતવ્ય પહોંચીને રાહતનો શ્વાસ લીધો.

બે વર્ષ અગાઉ આ જ રીતે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની એક મેચ કોલકાતાથી પતાવીને અમદાવાદ આવવાનું થયું હતું ત્યારે તેમને વાદળો વચ્ચે જ વીજળી ચમકતી જોવા મળી હતી અને તમામના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા.

આમ, IPLના ખેલાડીઓ માટે પૈસાની તો રેલમછેલ છે જ પરંતુ ટુર્નામેન્ટમાં તેમણે સતત મુસાફરી કરવી પડતી હોય છે અને તેને કારણે તેઓ થાકી જતા હોય છે અને કંટાળી પણ જતા હોય છે. તેમ છતાં ઘણી વાર તો ત્રણ દિવસનાં અંતરે જ બે મેચો રમવાની આવતી હોય છે.

કોલકાતાના ખેલાડીઓ એ બાબતે નસીબદાર કે રવિવારની મેચ પછી બુધવારે તેમની મેચ ન હતી નહીં તો પ્રેક્ટીસ અને આરામના અભાવે તેઓ સરખી રીતે રમી પણ શક્યા ન હોત.

Back to top button