KKR ટીમને વધુ એક મોટા ફટકાની શક્યતા, પ્રેક્ટિસ દરમિયાન નીતીશ રાણા ઘાયલ
IPL 2023ની સીઝન શરૂ થાય તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરનું પીઠની ઈજાને કારણે આ આખી સિઝનમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે, ત્યારે આ સિઝનમાં ટીમનો ભાગ બનેલા ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનના ઈજાના સમાચાર પણ સામે આવ્યા છે. KKR ટીમના બેટિંગ ઓર્ડરનો એક ભાગ નીતીશ રાણા પણ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘાયલ થયો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ખેલાડીઓએ હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, જેમાં ટીમના ઘણા મહત્વના ખેલાડીઓ અત્યાર સુધી જોડાઈ ચૂક્યા છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન નીતિશ રાણાના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. રાણા નેટ્સ પર બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચોઃ IPL 2023ની સિઝન રોમાંચક રહેશે, આ 5 મોટા નિયમો લાગુ થશે
નીતિશ રાણાએ પહેલા એક નેટ પર ફાસ્ટ બોલરોનો સામનો કર્યો હતો, જ્યારે બીજી તરફ તેણે સ્પિન બોલરોનો સામનો કર્યો હતો, ત્યારબાદ જ્યારે તે થ્રો-ડાઉનની સામે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યો હતો ત્યારે તેને ડાબા ઘૂંટણ પર એક બોલ વાગી ગયો હતો. આ પછી નીતીશને તુરંત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે આગળની પ્રેક્ટિસમાં ભાગ લીધો નહોતો.
KKRની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે
IPLની આગામી સિઝનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમને તેની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ ટીમ સામે 1 એપ્રિલે મોહાલીના મેદાનમાં રમવાની છે. આ પછી, ટીમ તેની બીજી મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર 6 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. KKRની ટીમે પણ શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં પોતાની ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવાની છે, જેમાં નીતીશ રાણા સિવાય સુનીલ નારાયણ અને શાર્દુલ ઠાકુરના નામ આ સમયે મોખરે છે.