27 મે, ચેન્નાઈ: IPL 2024ની ફાઈનલ મેચમાં સન રાઈઝર્સ હૈદરાબાદને એકતરફી મેચમાં હરાવ્યા બાદ કોલકાતાના નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા હતા. મેચ બાદ X ઉપર પોતાનું મંતવ્ય ગંભીરે રજુ કર્યું હતું જેમાં ભગવદ્ ગીતાના શ્રીકૃષ્ણને યાદ કરીને તેમને અંજલિ આપી હતી.
ગઈકાલે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં KKRએ SRHને એક આસાન હાર આપી હતી. આ જીત પાછળ ટીમનો સાતત્યપૂર્ણ દેખાવ, શ્રેયસ ઐયરની કપ્તાની, સપોર્ટ સ્ટાફની ભૂમિકા અને કોચ ચંદ્રકાંત પંડિતની મહેનત તો જવાબદાર હતી જ પરંતુ મેન્ટર તરીકે ગૌતમ ગંભીરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ બાબતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગઈકાલે રાત્રે મેચ પત્યા બાદ KKRના મહત્વના ખેલાડી નીતીશ રાણાએ આપ્યું હતું. નીતીશે કહ્યું હતું કે જ્યારે તેને ખબર પડી કે GG સર (ગૌતમ ગંભીર) ટીમના મેન્ટર બન્યા છે ત્યારે તે પોતાની ખુશી છુપાવી શક્યો ન હતો. નીતીશે તરત જ પોતાની ખુશી ગૌતમ ગંભીરને મેસેજ કરીને વ્યક્ત કરી હતી. પરંતુ જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે આ ખુશી તો બરાબર છે પરંતુ સૌથી મોટી ખુશી ત્યારે થશે જ્યારે આપણે IPL જીતીશું.
ગઈકાલે નીતીશ રાણાની આ વાત સત્ય સાબિત થઇ હતી અને તે સાથે એ પણ સાબિત થયું હતું કે ગૌતમ ગંભીરે KKRની આ જીતમાં અતિશય મહત્વની ભૂમિકા ભજવી છે. એ પણ ન ભૂલવું જોઈએ કે 2012 અને 2014માં જ્યારે KKR ચેમ્પિયન થયું હતું ત્યારે ગૌતમ ગંભીર જ ટીમના કેપ્ટન હતા. હવે દસ વર્ષે તેમણે ટીમને ફરીથી મેન્ટર તરીકે જીત અપાવી છે.
ગૌતમ ગંભીરે ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરીને પોતાની ટીમની આ જીત તેમને સમર્પિત કરી હતી. ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા સાઈટ X ઉપર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, ‘જેની મતિ અને ગતિ બંને સત્યની હોય, ભગવાન શ્રીકૃષ્ણ આજે પણ તેનો રથ ચલાવે છે.’
“जिसकी मति और गति सत्य की हो,
उसका रथ आज भी श्री कृष्ण चलाते हैं”— Gautam Gambhir (Modi Ka Parivar) (@GautamGambhir) May 26, 2024
આમ કહીને ગૌતમ ગંભીરે કોના તરફ પોતાનું નિશાન તાંકયું છે તેનો તો ખ્યાલ નથી આવતો પરંતુ તેમણે પોતાની જીતને સત્યની જીત તરીકે જરૂર જણાવી છે. હવે ગૌતમ ગંભીર સમક્ષ બીજો એક પ્રશ્ન છે અને તેના પર સહુથી નજર છે. આ પ્રશ્ન છે KKRની મેન્ટરશીપ છોડીને ટીમ ઇન્ડિયાના ફૂલ ટાઈમ કોચ બનવું.