IPL 2023 પહેલા KKRને ઝટકો, કેપ્ટન શ્રેયસ અય્યર બહાર


IPL 2023 પહેલા શ્રેયસ ઐયરના રૂપમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પીઠની ઈજાના કારણે સ્ટાર બેટ્સમેન IPL 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભાગ નહીં લઈ શકે. અય્યર IPLમાં KKRનો કેપ્ટન છે. પીઠની ઈજાના કારણે અય્યરને સર્જરી કરાવવી પડી શકે છે, જેના કારણે તે લગભગ 5 મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન અય્યરે કમરમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

ડૉક્ટરે સર્જરીની સલાહ આપી
અય્યરને તેની પીઠની ઇજા માટે સર્જરી કરાવવી પડી શકે છે, જેના કારણે તે લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેશે અને 7 જૂનથી લંડનના ઓવલમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમી શકશે નહીં. આ સિવાય તે IPL અને અન્ય મહત્વની ટૂર્નામેન્ટ નહીં રમી શકે.
“અય્યર લંડનમાં સર્જરી કરાવવા માંગે છે પરંતુ ઓપરેશન માટે વાતચીત હજુ ચાલુ છે કારણકે બીસીસીઆઈએ ઓપરેશનનું સ્થળ નક્કી કરવાનું બાકી છે. એવી શક્યતા છે કે આ સર્જરી ભારતમાં થઈ શકે છે.”
આ પણ વાંચોઃ IPL 2023: ધોનીની ટીમ સાથે જોડાયો આ ભારે ભરખમ ખેલાડી, કોણ છે અને શું છે તેની વિશેષતા
KKR માટે કેપ્ટનશિપની મુશ્કેલી
શ્રેયસ અય્યર IPL 2022 માં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે દેખાયો હતો. ત્યારે IPLની 16મી સિઝનમાં તેના સ્થાને ટીમની કમાન કોણ સંભાળશે, તે જોવાનું રહેશે. છેલ્લી સિઝનમાં, અય્યરની કપ્તાની હેઠળ, KKR 14 મેચમાંથી 6 જીતી હતી અને 8 હારી હતી. આ સાથે જ ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે સાતમા નંબર પર હતી.