12 મે, કોલકાતા: છેવટે એ જ થઈને રહ્યું જેની આશા રાખવામાં આવી રહી હતી. આ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ બે એવી ટીમો છે જેને હરાવવી ઘણી મુશ્કેલ છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મેચ જીતવી અઘરી હતી અને એમ જ થઈને રહ્યું.
કોલકાતામાં વરસેલા અનરાધાર વરસાદને લીધે મેચ લગભગ બે કલાક પછી ચાલુ થઇ શકી હતી. આ કારણસર મેચને ફક્ત 16 ઓવર્સની કરી દેવામાં આવી હતી. નાઈટ રાઈડર્સને મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનું કહ્યું હતું. કોલકાતાને કાયમ સારી અને ઝડપી શરૂઆત આપનાર ઓપનર્સ ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ આ વખતે તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
નારાયણ તો જસપ્રીત બુમરાહના એક યોર્કરને ઓળખવામાં થાપ ખાઈ ગયો હતો અને એ બોલને છોડવા જતાં હાસ્યાસ્પદ રીતે ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. ત્યારબાદ વેંકટેશ ઐયરે ટીમની ઇનિંગને સ્થિરતા આપી હતી. ઈજાને કારણે લાંબા સમય બાદ રમી રહેલા નીતીશ રાણાએ પણ ઐયરને સારી રીતે સાથ આપ્યો હતો. બાદમાં આન્દ્રે રસલ, રીંકુ સિંઘ અને રમનદીપ સિંગે ઝડપી રન બનાવીને નાઈટ રાઈડર્સ માટે સન્માનજનક કહી શકાય એવો 157 રનનો સ્કોર ઉભો કર્યો હતો.
મુંબઈ ઇન્ડિયન્સ માટે આમ પણ આ સિઝન ભૂલી જવા જેવી જ છે એવામાં રોહિત શર્મા ફરીથી ધીમી શરૂઆત કરીને આઉટ થઇ જતાં ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. ઇશાન કિશને ઝડપથી રન્સ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ આઉટ થઇ જતાં મુંબઈ માટે ફરીથી એની એ વાર્તા રીપીટ થઇ રહી હોવાનું લાગવા માંડ્યું હતું.
અને થયું પણ એમ જ. તિલક વર્મા સિવાય મુંબઈના અન્ય બેટ્સમેનો ખાસ ટકી શક્યા ન હતા. કોલકાતા તરફથી ફરીથી વરુણ ચક્રવર્તીએ પોતાની સ્પિનની જાળ બિછાવી દીધી હતી જેમાં મુંબઈના બેટ્સમેનો ફસાઈ ગયા હતા. ધીમે ધીમે જરૂરી રનરેટ વધતાં જતાં મુંબઈના બેટ્સમેનો દબાણમાં આવી રહ્યા હતા અને નમન ધીરના અંતિમ પ્રયાસો છતાં મુંબઈ ઇન્ડિયન્સ 18 રને આ મેચ હારી ગઈ હતી.
આ જીત બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ IPLની એવી પ્રથમ ટીમ બની ગઈ છે જેણે પ્લેઓફ્સ માટે ક્વોલીફાય કરી લીધું હોય.