અમદાવાદના કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષપદે નિયુક્તિ
ગાંધીનગર, 9 માર્ચ 2024: અમદાવાદમાં વસતા વિખ્યાત આંબેડકરવિદ્ તેમજ પ્રખર વક્તા તરીકે દેશભરમાં જાણીતા એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહપ્રવક્તા કિશોર મકવાણાની ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ આયોગએ બંધારણ ભાગ -16, આર્ટિકલ – 338 અન્વયે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે સંલગ્ન એવીભારત સરકાર દ્વારા ગઠન કરવામાં આવતી બંધારણીય સંસ્થા છે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોની સુરક્ષા, સલામતી તેમજ સામાજિક, શૈક્ષણિક, આર્થિક તેમજ સાંસ્કૃતિક ઉત્થાન સબંધિત બાબતોની દેખરેખ તેમજ તે સબંધિત ફરિયાદોની કાનૂની તપાસ કરે છે. આ ઉપરાંત દર વર્ષે આ સંસ્થા અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન તેમજ તેમની સલામતી માટે લીધેલા પગલાંની કામગીરીનો અહેવાલ તૈયાર કરી રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરે છે.