કિસાન સંઘના પ્રશ્નોનો આવશે ઉકેલ, ગૃહરાજ્યમંત્રીની બાહેંધરી
કિસાન સંઘ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કિસાન સંઘના આગેવાનોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં બાહેંધરી આપી છે, અને આગામી દિવસોમાં વધુ ગંભીરતાથી આ મુદ્દાને ઉકેલવા માટે કોર કમિટીમાં ચર્ચા કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
કિસાન સંઘ ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે લાંબા સમયથી આંદોલન કરી રહ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક કરી હતી. સાથે જ કિસાન સંઘની વિવિધ માંગણીઓ અને રજૂઆતો સાંભળી હતી. હર્ષ સંઘવીએ કિસાન સંઘના આગેવાનોને તેમના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે આશ્વાસન આપ્યુ હતુ. હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કોર કમિટી સાથે બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેમ જણાવ્યું હતું.
શું છે કિસાન સંઘની માગ ?
- ખેડૂતોના મીટર, હોર્સ પાવરમાં વીજ દર સમાન કરવો
- મીટર આધારિત બોરવેલનું બે મહિને બીલ આપવું
- મીટર ટેરિફના ફિક્સ ચાર્જમાં રાહત આપવી
- બોરવેલ પર મીટર બળી જાય તો જવાબદારી વીજ કંપનીની
- કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો
- રાજ્યમાં ખાનગી કૃષિ યુનિવર્સિટીને માન્યતા ન આપવી
- જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલવા
કિસાન સંઘના આગેવાનોની હર્ષ સંઘવી સાથેની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વીજબીલ, MSP સહિતના પ્રશ્નો પર હર્ષ સંઘવી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મીટિંગમાં ચર્ચાઓ ખૂબ પોઝિટિવ રીતે કરવામાં આવી હોવાનું હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ. હર્ષ સંઘવીએ બેઠકમાં કિસાન આગેવાનોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે બે દિવસની અંદર કોર કમિટી સાથે બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.