વીજળીની અસમાનતાને લઈ કિસાન સંઘ ઉગ્ર આંદોલનના મૂડમાં
પાલનપુર: ભારતીય કિસાન સંઘ ખેડૂતોને અપાતી વિવિધ મુદ્દે હવે ઉગ્ર આંદોલન કરે તેવા મૂડમાં છે. આ અંગે આયોજન કરવા માટે પ્રદેશ કક્ષાએ યોજાયેલી બેઠકમાં હવે આગામી દિવસોમાં ધરણાં સહિતના કાર્યક્રમોનું માઈક્રો પ્લાનિંગ કરવાની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં જિલ્લા કક્ષાએ ધરણાનું માઈક્રો પ્લાનિંગ કરવા બેઠક યોજાઇ
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની એક બેઠક સોમવારે પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઇ આર્યની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં 25 જિલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખેડૂતોને અપાતી વીજળીમાં અસમાનતા બાબતે ચર્ચા કરીને આગામી દિવસોમાં અહિંસક અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આ કાર્યક્રમોને લઈને ઉપસ્થિત થનારી પરિસ્થિતિ અંગેની સઘળી જવાબદારી રાજ્ય સરકારની રહેશે. સરકારનું વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારની આંખ ઉઘડતી નથી. જેથી જિલ્લા કક્ષાએ ધરણાના કાર્યક્રમ પછી ગામડાઓમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અખિલ ભારતીય સંગઠન મંત્રી ગજેન્દ્રસિંહજી, અ. ભા. કાર્યકારણી સદસ્ય શંભુભાઈ પટેલ,ન અ. ભા. કાર્યકારીણી મંત્રી બી. કે. પટેલ અ. ભા. કાર્યકારિણી સદસ્ય વિઠ્ઠલભાઈ દુધાત્રા તથા કારોબારીના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની કઈ સમસ્યાઓ છે
મીટર= હોર્સપાવર=સમાન વીજદર
મીટર આધારિત બોરવેલનું બિલ બે મહિને ભરાશે
ફિક્સ ચાર્જમાં રાહત આપવી
સ્વૈચ્છિક લોડ વધારવાની સ્કીમ લાવવી
બોરવેલ ઉપર જો વીજમીટર બળી જાય તો વીજ કંપનીની જવાબદારી
કિસાન સૂર્યોદય યોજના (દિવસે વીજળી)નો ગુજરાતમાં તત્કાલ અમલ કરવો