ગુજરાત
કેસર કેરીના બોક્સમાંથી નીકળ્યું કિંગફિશર !!! દારૂની હેરાફેરીનો નવો કીમિયો ક્યાં સામે આવ્યો ?
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ બુટલેગરો દ્વારા પ્યાસીઓની તરસ છીપાવવા માટે ગમે તેમ કરીને દારૂ અને બિયર ઘુસાડવામાં આવી રહ્યા છે. કંઈક આવી જ નવી મોડ્સ ઓપરેન્ડીથી ઉનાના એસટી બસ સ્ટેન્ડમાંથી બિયરનો જથ્થો ઝડપાયો છે. બુટલેગરો દ્વારા કેસર કેરીની પેટીની અંદર કિંગફિશર બિયરના ટીન ભરી તેને સગેવગે કરવામાં આવનાર હતા પરંતુ ગીરસોમનાથ એલસીબીની ટીમે તેઓનો આ મનસૂબો પાર પડવા દીધો ન હતો અને બિયરનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઉના બસ સ્ટેશન વિસ્તારમાં મનિષ ઉર્ફે ભગત મોહન ચુડાસમા તેમજ રોહીત રમેશ સોલંકી રહે. ઉના વાળા કેસર કેરીના બોક્ષમાં કિંગફીશર બિયરના 23 ટીન લઇને તેની હેરાફેરી કરવાની ફિરાકમાં હોય તેવી બાતમીના આધારે એલસીબી પીઆઈ કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, પો.કોન્સ સંદિપભાઇ ઝણકાટએ પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અગાઉ પણ એલસીબી બ્રાન્ચે સોડા સોપની વાનમાં અંગ્રેજી દારૂ અને બિયરનો મોટો જથ્થો પકડી પાડેલ હતો. બુટલેગરોની દારૂ અને બિયરની હેરાફેરી કરવાની આ નવી રીત જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો અચંભામાં પડી ગયા હતા.