કિમ જોંગ ઉને અમેરિકા-દક્ષિણ કોરિયાને આપી ચેતવણી
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથેના સંભવિત સૈન્ય સંઘર્ષમાં તેમના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. કિમ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમના હરીફો કોરિયન દ્વીપકલ્પને યુદ્ધની અણી પર ધકેલી રહ્યા છે. ગયા અઠવાડિયે પણ ઉત્તર કોરિયાએ બંને દેશોને ધમકી આપી હતી.
1950-53 કોરિયન યુદ્ધના અંતની 69મી વર્ષગાંઠ પર દેશના દિગ્ગજોને સંબોધિત કરતી વખતે કિમ જોંગ ઉને આ ટિપ્પણી કરી હતી. તેમના ભાષણનો હેતુ કોરોના રોગચાળાને લગતી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા દેશમાં આંતરિક એકતાને પ્રોત્સાહન આપવાનો છે.
ઉત્તર કોરિયાની ધમકીઓ વધી શકે
કેટલાક નિરીક્ષકોની વાત માનીએ તો, કે યુએસ અને દક્ષિણ કોરિયા સામે ઉત્તર કોરિયાની ધમકીઓ વધી શકે છે કારણ કે બંને સહયોગીઓ તેમની લશ્કરી કવાયતને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે, જેને ઉત્તર કોરિયા આક્રમકતાની કવાયત તરીકે જુએ છે.
સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, કિમ જોંગ ઉને ગઈકાલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, “આપણી સશસ્ત્ર દળો કોઈપણ સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આપણા દેશની પરમાણુ યુદ્ધ ક્ષમતા પણ સંપૂર્ણ રીતે તૈયાર છે.”
તેણે અમેરિકા પર ઉત્તર કોરિયાની પ્રતિકૂળ નીતિઓને યોગ્ય ઠેરવવા માટે તેની ખરાબ તસવીર દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે યુએસ-દક્ષિણ કોરિયા સૈન્ય અભ્યાસ અમેરિકાના બેવડા ધોરણોનું પ્રતીક છે, કારણ કે તે ઉત્તર કોરિયાની નિયમિત સૈન્ય પ્રવૃત્તિઓને ઉશ્કેરણી અથવા ધમકી તરીકે દર્શાવે છે. વાસ્તવમાં, તે ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણો વિશે વાત કરી રહ્યો હતો.
કિમે દક્ષિણ કોરિયાના નવા પ્રમુખ યૂન સુક-યોલને કટ્ટરપંથી ગણાવ્યા, જેમણે અગાઉના દક્ષિણ કોરિયાના નેતાઓને પાછળ છોડી દીધા છે અને કહ્યું કે યૂનની રૂઢિચુસ્ત સરકારનું નેતૃત્વ ગુંડાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
દક્ષિણ કોરિયાએ પડકારોનો સામનો કરવો પડશે: ઉત્તર કોરિયા
ગત સપ્તાહની શરૂઆતમાં ઉત્તર કોરિયાએ ચેતવણી આપી હતી કે જો અમેરિકા અને દક્ષિણ કોરિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ સહિત તેની વિરુદ્ધના તેમના દુશ્મન સૈન્ય અભિયાનને બંધ નહીં કરે તો અમેરિકા અને દક્ષિણ કોરિયાને જબરદસ્ત સુરક્ષા પડકારોનો સામનો કરવો પડશે. ઉત્તર કોરિયા અમેરિકા-દક્ષિણ કોરિયાની કોઈપણ નિયમિત લશ્કરી તાલીમને હુમલાના રિહર્સલ તરીકે જુએ છે, જોકે, તેના સહયોગીઓનું કહેવું છે કે ઉત્તર કોરિયા પર હુમલો કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
આ વર્ષે ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણો બાદ અમેરિકા અને દક્ષિણ કોરિયા ઉનાળાની ઋતુમાં પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ વધારવાની તૈયારી કરી રહ્યા છે.