ઉત્તર ગુજરાતગુજરાત

પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા-ભાઈનું અપહરણ : ડીસા પોલીસે રાતભર શોધખોળ ચલાવી બંનેને છોડાવ્યા

Text To Speech
  • અપહરણ કરનાર યુવતી પક્ષના 5 લોકોની અટકાયત, અન્ય ફરાર લોકોની શોધખોળ શરૂ

પાલનપુર : ડીસા તાલુકાના કુપટ ગામનો યુવક યુવતીને ભગાડી જતાં યુવતીના પરિવારજનોએ યુવકના પિતા અને ભાઈનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે આખી રાત શોધખોળ આદરી બંનેને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી પાંચ શખ્સોની અટકાયત કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કુંપટ ગામે રહેતો સંજય વાઘેલા નામનો યુવક ઊંઝા તાલુકાના એક ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. અગાઉ બે થી ત્રણ વખત તે યુવતીને ભગાડી પોતાના ઘરે લાવ્યો હતો, પરંતુ યુવકના પરિવારજનો તેને સમજાવીને પરત મોકલી દેતા હતા. ત્યારે 15 દિવસ અગાઉ ફરીથી સંજય યુવતીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. જેથી યુવતીના પિતા કાંતિજી ઠાકોર અને નિકુલજી ઠાકોર સહિત આઠ થી દસ લોકો એક સ્વીફ્ટ ગાડી અને એક ઇક્કો ગાડી લઈને કુંપટ ગામે સંજયના ઘરે પહોંચ્યા હતા.


તેમની દીકરીને પરત નહીં સોંપે તો જાનથી મારી ધમકી આપી સંજયના ભાઈ મુકેશ અને પિતા ચમનજી વાઘેલાને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. ત્યારબાદ બંનેને કૂંપટથી મુડેઠા, વિસોલ, નાનીદાઉ અને કુણઘેર સહિત અલગ અલગ જગ્યાએ લઈ જઈ એક ખેતરના બોર પર માર મારી ગોંધી રાખ્યા હતા.

આ દરમિયાન મુકેશ અને ચમનજી વાઘેલાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પીઆઇ એસ. એમ. પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.કે વાણીયા સહિતની ટીમોએ રાતભર શોધખોળ આદરી હતી, અને વહેલી સવારે અપહરણકારો અને ઝડપી લઇ યુવકના પિતા અને ભાઈને છોડાવ્યા હતા. પોલીસે આ મામલે અપહરણ કરનાર પાંચ લોકોની અટકાયત કરી ઇકો ગાડી જપ્ત કરી છે. જ્યારે આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય અપહરણકરોની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં આગામી 5 દિવસ યલો અલર્ટ, ગરમીથી બચવા AMCએ જાહેર કરી એડવાઈઝરી

Back to top button