અમદાવાદ, 03 જૂન 2024 શહેરની ફૂટપાથ પર પણ અનેક પરિવાર રોજ જીવન ગુજારે છે અને તેમની સાથે તેમનો પરિવાર પણ સુરક્ષિત ન હોય તેવી સ્થિતિ સામે આવી છે. રાયખડ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની 4 વર્ષની બાળકી તેના સ્વજન સાથે ફૂટપાથ પર સૂતી હતી. જ્યાં બાળકીને કોઈ અજાણ્યો શખસ ઉપાડીને લઈ ગયો હતો. જ્યારે સ્વજનને ઘટનાની જાણ થતાં કશું ખબર ન હતી કે શું થયું. પરંતુ પોલીસ ફરિયાદ નોંધાતા બાળકીને શોધવા તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. અમદાવાદના ખૂણે ખૂણે બાળકીને શોધતા અપહરણ ઘટનાના CCTV સામે આવ્યા હતા. જે બાદ હવેલી પોલીસ ટીમ રેલવે સ્ટેશનને પહોંચી અને ત્યાં રખડતી ભટકતી હાલતમાં બાળકી મળી આવી હતી.
ફૂટપાથ પર સૂતેલી દીકરીને ઉપાડીને લઈ ગયાના CCTV
સંગીતાબેન તિવારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક મહિનાથી મજૂરી કરીને ફૂટપાથ પર સુઈ જાય છે. તેના પતિ સાતેક મહિના પહેલા મૃત્યુ પામ્યાં છે. ગત 1લી જૂનના રોજ રાત્રે ફરિયાદી મહિલા તેમજ તેમની દીકરી રાયખડ ચાર રસ્તા પાસે આવેલી કપડાની દુકાનની આગળના ફુટપાથ પર સુઈ ગયા હતાં. મહિલાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બીજા દિવસે સવારે કોઈ કારણસર બહાર ગયા હતા.તે વખતે મારી દીકરી પ્રિયા મારા મિત્ર હિતેષની બાજુમાં સુતી હતી. મેં પરત આવીને જોયું તો પથારીમાં દીકરી હતી નહી. જેથી મે મારા મિત્ર હિતેષને જગાડીને દીકરી પ્રિયા વિશે પુછતા તેણે જણાવ્યું કે, હુ સુઈ ગયો હોવાથી મને પ્રિયાની કંઈ ખબર નથી. જેથી મે અને મારા મિત્ર હિતેષે રાયખડ ચાર રસ્તા અને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ મારી દીકરી પ્રિયા મળી આવી નહી. કોઈ અજાણ્યો શખસ મારી દીકરી પ્રિયાને અપહરણ કરીને લઈ ગયો હતો.
પોલીસે 11 કલાકમાં દીકરીને પરિવારને સોંપી
આ પ્રમાણે મહિલાની ફરિયાદ બાદ પોલીસે દીકરીને શોધવા પ્રયત્નો શરૂ કરી દીધા હતાં.આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PI એચ.એચ. ભાટીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, રવિવારી બજાર ભરાયું હોવાના કારણે બાળકીને કોણ લઈ ગયું તે શોધવા અમારા માટે મુશ્કેલ હતું, પરંતુ અમને CCTV મળી ગયા હતા. જેના આધારે અમે અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહ્યા હતા નાની નાની ગલી રાયખડની આસપાસની જગ્યાઓ પણ તપાસ કરવામાં આવી હતી, ત્યારે કોઈ કડી મળી નહીં આખરે 11 કલાક બાદ અમને જાણવા મળ્યું કે, એક બાળકી કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે છે અને ત્યાં જતા જ આ અપહરણ કરાયેલી બાળકી મળી આવી હતી. હાલ બાળકીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃભાજપના MLAના પુત્રની ધરપકડ નહીં થાય તો જૂનાગઢ બંધઃ દલિત સમાજની ચીમકી