ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરળ: અપહરણ કરાયેલી 6 વર્ષની બાળકી 20 કલાક બાદ ત્યજી દેવાયેલી મળી

કોલ્લમ, 28 નવેમ્બર: કેરળના કોલ્લમ જિલ્લાના પુયપ્પલ્લીમાંથી 27 નવેમ્બરની રાત્રે અપહરણ કરાયેલી છ વર્ષની બાળકી મળી આવી હતી. બપોરે કોલ્લમના એક જાહેર મેદાનમાં બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પોલીસ તરત જ તેને નજીકની હોસ્પિટલ લઈ ગઈ હતી. બાળકી જ્યારે તેના ભાઈ સાથે ટ્યુશન માટે જઈ રહી હતી ત્યારે તેનું અપહરણ કરાયું હતું ત્યારબાદ પોલીસે રાજ્યભરમાં શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે અપહરણકર્તાનો સ્કેચ જાહેર કર્યો

પોલીસે શંકાસ્પદ અપહરણકર્તાનો સ્કેચ પણ બહાર પાડ્યો છે. બાળકીના આઠ વર્ષના ભાઈએ પોલીસને આપેલા નિવેદન મુજબ, અપહરણકર્તાઓમાં એક મહિલા સહિત ચાર લોકો એક સફેદ કારમાં આવ્યા હતા અને બાળકીને ઉઠાવીને લઈ ગયા હતા. પુયપ્પલ્લી પોલીસ સ્ટેશનના એક અધિકારી જણાવ્યું કે, જ્યારે તેના ભાઈએ કિડનેપર્સને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ છોકરાને ધક્કો મારીને નાસી ભાગ્યા હતા. જો કે, તેના ભાઈને પગમાં ઈજા પહોંચી હતી.

કોંગ્રેસે પોલીસ સ્ટેશન બહાર વિરોધ કર્યો

આ બનાવને લઈ તણાવ પેદા થયો ત્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાજ્ય પોલીસને તપાસ વધુ ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતા. જો કે, રાજ્યના મંત્રીઓએ પોલીસ તપાસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, બાળકીની બચાવમાં વિલંબને લઈને કોંગ્રેસના કાર્યકરોએ પુયપ્પલ્લી પોલીસ સ્ટેશનની બહાર બંને હાથ પર કાળી પટ્ટી બાંધીને મૌન પ્રદર્શન કર્યું હતું. તેમજ પોલીસ તપાસ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

અપહરણકારોએ 10 લાખ રૂપિયા માગ્યા હતા

અપહરણકારોએ ખંડણીની માંગણી કરતાં બે ફોન કૉલ કર્યા હતા. પહેલા તેમણે 5 લાખ રૂપિયાની માંગણી કરી પછી બાદમાં 10 લાખની માગણી કરી હતી. ખંડણીના કૉલ રેકોર્ડિગ મુજબ, અપહરણકર્તાઓને એમ કહેતા સંભળાય છે કે બાળકી સલામત છે અને 10 લાખ રૂપિયા આપશો તો તમને તમારી દીકરી પાછી મળી જશે. જો કે, આ અપહરણકારોએ માતા-પિતાને પોલીસેન આ અંગે જાણ ન કરવાની ધમકી પણ આપી હતી.

જો કે, ભારે જહેમત બાદ બાળકી સુરક્ષિત હાલતમાં મળી આવી છે પરંતુ આ કિડેનપર્સ કોણ હતા અને કેમ બાળકીનું અપહરણ કર્યું હતું તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસ સ્કેચના આધારે આરોપીઓને શોધવાના પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ થયેલા માવઠાથી પાકને થયેલા નુકસાનનો સરવે થયા બાદ સહાય ચૂકવાશે

Back to top button