લાત મારવી પડી મોંઘી: સુરતમાં નિર્દોષ વ્યક્તિને લાત મારનાર PIને થયો 3 લાખનો દંડ
- હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું કે તમે હીરો બનીને ફરો છો ?
સુરત, 19 સપ્ટેમ્બર, સુરતના એક પીઆઈની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં એડવોકેટ કારમાં મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ ત્યાં આવીને કંઇપણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના અંગે પોલીસે પીઆઇ સામે ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો. જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કોઇપણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઇને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આ પોલીસકર્મીને એવો પાઠ ભણાવ્યો છે કે કોઇની સાથે દાદાગીરી કરતાં સો વાર વિચાર કરશે.
અવાર-નવાર તમે પોલીસની દાદાગીરીના કિસ્સા સાંભળ્યા હશે અથવા તો જોયા હશે. જેમાં મોટાભાગે પોલીસકર્મીઓ સત્તાનો દુરઉપયોગ કરીને રોફ બતાવવા હોય છે, અથવા તો પછી ગમે તેની સાથે મારઝૂડ કરતા હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.સોલંકીએ એડવોકેટ હિરેન નાઈને કંઈ પણ પૂછ્યા વગર સીધા લાત મારી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એડવોકેટ હિરેન નાઈ મિત્રો સાથે પોતાની કારમાં બેઠા હતા. તે દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકીએ પૂછ્યા વિના એડવોકેટને સીધી લાત મારી અપશબ્દો બોલ્યા હતા. આ ઉપરાંત પીઆઇએ એડવોકેટને નાર્કોટિક્સના ખોટા કેસમાં અંદર કરી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદી કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું, પરંતુ પોલીસ સ્ટેશનમાં તેમની પોલીસ ફરિયાદ લેવામાં આવી નહી. જેથી અંતે એડવોકેટ હિરેન નાઈએ કોર્ટનો સહારો લીધો અને કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે લગાવી ફટકાર
કોર્ટે આ મામલે કયું કે, ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતનો દંડ યાદ આવશે. કદાચ ખરેખર કોઇ ગુનાનો આરોપી હોય તો પણ તેને લાત મારી શકાય નહી. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી. ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હતી, કે પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અપ શબ્દો કહ્યા હોવાની રજૂઆત થઈ છે. આવા પીઆઇ સામે સરકાર કોઈ પગલાં કેમ લેતી નથી? આ અંગે જસ્ટિસ નિરઝર દેસાઈએ સુનાવણી દરમિયાન અધિકારી પાસે પીઆઇ સામે શું પગલાં લેશે તે અંગે સૂચના પણ મંગાવી હતી.
ફરિયાદી એડવોકેટે હાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા. જે જોઇને હાઇકોર્ટે પીઆઇનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઇ ગુના વગર મારવાના? કઇ પણ પૂછ્યા વગર કોઇને લાત કેવી રીતે મારી શકાય? જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહીં આવે તો કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે. પોતાને હીરો સમજતા પીઆઇને કોઇ સંજોગોમાં માફ કરી શકાય નહીં. પીઆઇએ સત્તાનો દુરુપયોગ કર્યો છે.
આ પણ વાંચો…અમદાવાદમાં બોપલ મર્સિડીઝ કાંડના સગીરને જામીન મળ્યા, પિતા ફરાર થયા