ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ 15 મિનિટમાં PMJAY કાર્ડ બની જતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી પૈસા ઓળવી લેવાતા
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરકારને ચૂનો લગાવવાના સૌથી મોટા દેશવ્યાપી કૌભાંડનો કર્યો પર્દાફાશ
અમદાવાદ, 19 ડિસેમ્બર, 2024: અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં થઈ રહેલા બોગસ ઓપરેશનની ફરિયાદની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હોસ્પિટલો તો બોગસ ઓપરેશન કરી રહી છે પણ દર્દીઓને કે સમાન્ય લોકોને પણ PMJAY યોજનાનું કાર્ડ સરળતાથી અને ખોટી રીતે અપાવવા અનેક દલાલો સક્રિય બન્યા છે. એટલું જ નહીં પણ PMJAY યોજનામાં સમાવેશ નહીં થઈ રહેલા દર્દી કે લોકો પાસેથી પણ અમુક રૂપિયા લઈને 5 મિનિટમાં કાર્ડ બનાવી આપતા હોવાનો પર્દાફાશ થયો છે.
PMJAY થી સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ…
PMJAY માં પાત્રતા નથી ધરાવતા એ લોકોના કાર્ડ બનાવવામાં આવતા હતા.*Ahmedabad Crime Branch Case*- Ayushman Bharat Portal case of Issuance of Ineligible Cards by Penetrating Source… pic.twitter.com/9mAh6tSXWK
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 17, 2024
શું છે સમગ્ર મામલો?
ખ્યાતિ હોસ્પિટલ કાંડની ચાલી રહેલી તપાસમાં એક બાદ એક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા PMJAYમાં ચાલી રહેલા સૌથી મોટા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આ તપાસમાં જાણવા મળ્યુ છે કે, કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત નામના યુવકો PMJAY અંતર્ગત ઓપરેશન કરવા માટે ગેરકાયદે રીતે આયુષ્યમાન કાર્ડ કઢાવી આપતા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા કેટલાક દર્દીઓ પાસે PMJAY કાર્ડ ન હતુ. આ દર્દીઓનું ઓપરેશન કરવાનું હોવાથી માત્ર 15 મિનિટમાં જ તેમના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે PMJAY ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલની પૂછપરછ કરી તો બહાર આવ્યું કે, હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપૂતના કહેવાથી નિમેષ ડોડિયા નામના શખ્સ પાસે કાર્ડ તૈયાર કરાવવામાં આવતા હતા.
ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે શું કહ્યું?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલના જણાવ્યા મુજબ, આ દેશવ્યાપી ચાલી રહેલા મોટા કૌભાંડમાં અત્યાર સુધીમાં ગેરકાયદે રીતે કાર્ડ બનાવી આપનારા શખ્સોમાં નિમેષ ડોડિયા, મોહમ્મદ ફઝલ શેખ, નરેન્દ્રસિંહ ગોહિલ, મોહંમદ અસ્ફાક શેખ, ઇમ્તિયાઝ અને ઇમરાન જાબીર હુસૈનની કાર્ડ બનાવવાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મૃત્યુ કેસમાં શરૂ કરેલી તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે PMJAY યોજનાનો લાભ લેવા ગામમાં કેમ્પ કરીને દર્દીઓની સર્જરી કરી હોવાના કાંડનો ખુલાસો કર્યો હતો. આ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે ડેટા મેળવવા બે કોમ્પ્યુટર તથા એનજીઓગ્રાફી કરેલા દર્દીઓના ડેટાની તપાસ કરવા ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનાનું કામ સંભાળતા કર્મચારી મેહુલ પટેલની પૂછપરછ કરી હતી, જેમાં PMJAY યોજનાના કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત અમદાવાદના અમદુપુરામાં રહેતા નિમેષ ડોડીયા દ્વારા 1500 રૂપિયામાં દર્દીઓના PMJAY યોજનાના આયુષ્યમાન કાર્ડ બનાવતા હતા. નિમેષ એથિકલ હેકર છે જેથી PMJAY કાર્ડના પોર્ટલમાં ખામી રહી ગઈ હોય તેનો લાભ લઈને કાર્ડ બનાવતો હતો. જે માત્ર 15 મિનિટમાં PMJAY કાર્ડ બનાવી દેતા હોવાનું ખુલ્યું છે. આ કૌભાડ કરનારા પાસેથી ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કેસમાં વધુ એક ગુનો નોંધીને 6 આરોપીઓની ધરપકડ કરી છે.
સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીના કારણે 1200થી 1500 આયુષ્યમાન કાર્ડ બનાવ્યા
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, અમદુપુરામાં રહેતો નિમેષ ડોડીયાનામનો વ્યક્તિ જુદા-જુદા ઓનલાઈન પોર્ટલ ચલાવતો હતો. આ પોર્ટલ દ્વારા તે લોકોને બનાવટી આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો. આ આરોપીએ અન્ય રાજ્યો અને ગુજરાતના જુદા-જુદા વોટ્સએપ તથા ટેલિગ્રામ ગ્રુપમાં PMJAY યોજનાના કાર્ડનું નેટવર્ક બનાવ્યું હતું. નેટર્વકમાં કાલુપુરનો મોહમ્મદ ફઝલ, વટવાનો અશ્ફાક, ભાવનગરનો નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝ તથા સુરતના ઇમરાનનું કનેક્શન ખુલતા ક્રાઇમ બ્રાન્ચે આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બિહારના રાશીદ નામના શખ્સનું નામ પણ ખુલ્યું છે. જે ખાનગી પોર્ટલથી કાર્ડ બનાવતો હતો. જ્યારે અમદાવાદમાં PMJAY યોજના માટે જરૂરી આયુષ્યમાન કાર્ડનો કોન્ટ્રાક્ટ ધરાવતી એન્સર કોમ્યુનિકેશન કંપનીના કર્મચારી નિખિલ પારેખ લોગીન અને યુઝર આઇડી તથા લોગીન OTP આરોપી નરેન્દ્રસિંહને આપીને ગેરકાયદેસર દસ્તાવેજો વગર આયુષ્યમાન કાર્ડ બનાવતો હતો. આ નરેન્દ્રસિંહ નિખિલ પારેખને ID માટે દર મહિને 8 હજારથી 10 હજાર રકમ ચૂકવતો હતો. આ આરોપી રેશનકાર્ડમાં માસ્ટર કીથી બીજા નામમાં એડ કરીને કાર્ડ તૈયાર કરતા હોવાનો ખુલાસો થયો છે. આ આરોપીઓએ 1200થી 1500 જેટલા આયુષ્યમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દૂરોપયોગ કરી વેબસાઈટ પર જઈને સોર્સ કોર્ડ સાથે ચેડાં કરી બનાવ્યા હતા.
પોલીસ દ્વારા 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
PMJAY કાર્ડ માટે સામાન્ય રીતે લોકોએ વેબસાઇટમાં જઈને આધારકાર્ડ અપલોડ કરવાનું હોય છે. જેમાંથી 80 ટકા મેચ થઈ જાય તો PMJAY કાર્ડ મળી જતું હોય છે, પરંતુ જો ડેટા મેચિંગ થાય નહીં તો લેયર 1 પર જવાનું હોય છે. લેયર 1નું કામકાજ NFSA કંપની સંભાળતી હતી. જો લેયર 1માં એપ્રુવ થાય નહીં તો લેયર 2 જે સરકારની ટીમ હોય છે તે એપ્રુવ કરે છે અને જો લેયર 1 અને 2માં એપ્રુવ થાય નહીં તો ઇન્કમ સર્ટી અપલોડ કરવું પડે છે, પરંતુ આ કૌભાંડમાં લેયર 1ની પ્રક્રિયા પૂર્ણ કરીને ગેરકાયદેસર કાર્ડ બનાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતી હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, CEO ચિરાગ રાજપૂત, નિમેષ ડોડીયા, મોહમ્મદ ફઝલ શેખ, મોહંમદ અસ્ફાક શેખ, નરેન્દ્રસિંહ ગોહિલ, ઈમ્તિયાઝ, રાશીદ, ઇમરાન અને નિખિલ પારેખ સહિત 10 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ આ PMJAY યોજના કાર્ડ કૌભાંડમાં ચિરાગ રાજપૂતની જેલમાંથી કસ્ટડી મેળવશે. જ્યારે કાર્તિક પટેલ, નિખિલ પારેખ અને રાશીદ હજુ વોન્ટેડ છે. જેથી તેઓની ધરપકડ માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ જૂઓ: અમદાવાદ: ઘુમા-શીલજમાં રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી