મોટા સમાચાર: ખ્યાતિ હોસ્પિટલનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
અમદાવાદ, 18 જાન્યુઆરી 2025: ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને તાજેતરમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ કાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ આખરે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવી ગયો છે. ખ્યાતિ કાંડ બન્યા બાદ કાર્તિક છેલ્લા બે મહિનાથી ફરાર હતો. એવું કહેવાય છે કે તે વિદેશમાં છુપાયો હતો. તેની સાથે જ કોર્ટે તેના આગોતરા જામીન પણ ફગાવી દીધા હતા. આ અગાઉ તેના તમામ સાગરિતો તો ઝડપાઈ ગયા હતા.ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરી છે. અહીં ઉલ્લેખનિય છે ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ આજે વહેલી સવારે 4 કલાકે એરપોર્ટ પરથી ઝડપાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલના આગોતરા જામીન માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. કાર્તિક પટેલના વકીલે ચોંકાવનારી દલીલ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં લોકોની સર્જરી કરવામાં આવી છે, જેમાં લોકોના જીવ ગયા છે, જે થયું તે દુ:ખદ હતું પણ તેના માટે ડાયરેક્ટર જવાબદાર હોઈ શકે? કાર્તિકના વકીલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાનો ઉલ્લેખ કરી દલીલો કરી હતી.
અહીં ઉલ્લેખનિય છે કે હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલ તમામ સ્ટાફને નફો રળી આપવાના ઉદ્દેશ્યથી ફરમાન કરતો હતો. ચેરમેન, ડાયરેક્ટરની મિંટિગમાં ફ્રીમાં કેમ્પ યોજી બકરા શોધી લાવવા માટે પ્રેશર આપતો હતો. હોસ્પિટલમાં આર્થિક વ્યવહારો કાર્તિક પટેલની સૂચનાથી જ થતાં હતા.
આ પણ વાંચો: ભીષણ ઠંડીના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારંભનું સ્થળ બદલાયું, 40 વર્ષ બાદ આવું થશે