ખ્યાતિ કાંડની અસરઃ ની રિપ્લેસમેન્ટ માટે માર્ગદર્શિકા ઘડાશે
અમદાવાદ, તા.28 નવેમ્બર, 2024: પીએમજેએવાય યોજનાને ડોકટરોએ સરકાર પાસેથી કમાણીનું સાધન બનાવી દીધું હતું. સાંધા-ઘૂંટણ દુઃખતા હોય તો ડોક્ટરો તરત જ આયુષ્માન કાર્ડ હોય તો બદલી નાંખવાની સલાહ આપતા હતા. ખ્યાતિ કાંડ બાદ સફાળી જાગેલી સરકાર હવે ની રિપ્લેસમેન્ટ માટે માર્ગદર્શિકા ઘડશે. રાજ્યમાં ખ્યાતિકાંડ જેવી દુર્ઘટના ન બને તે માટે રાજ્ય આરોગય વિભાગે હાર્ટ, સાંધા અને ઘૂંટણના ઓપરેશન કિમોથેરેપી તથા રેડીયોલોજી સારવારના ખાસ નિયમો તૈયાર કર્યા છે. ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ પીએમજેએવાય યોજનામાં આ નિયમોનો અમલ કરવા જઈ રહી છે.
માત્ર હાર્ટ જ નહીં પરંતુ સાંધા-ઘૂંટણના ઓપરેશનમાં પણ વ્યાપક પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવી રહી છે. આ જ પ્રમાણે કેન્સરના દર્દીઓને કિમોથેરેપી-રેડિયોલોજી સારવારના નામે ખોટા ક્લેમ કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે. જેને જોતાં સચિવાલયમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે અને આ તમામ સારવાર માટે માર્ગદર્શિકા બનાવવામાં આવી હતી. જેનો ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. જે સાંધા-ઘૂંટણના વધતા રોગમાં મુખ્ય જવાબદાર પરિણામ છે. જેના ભાગ રૂપે નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા વધી છે. રાજ્યમાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં હાર્ટ બાદ સાંધા-ઘૂંટના દર્દી સૌથી વધુ આવે છે. રાજ્યના મોટા શહેરો સિવાય તાલુકા મથકો અને મોટા ગામડાઓમાં પણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો ખૂલી છે. અહીં દર્દી સાંધા-ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ લઈને આવે તો આર્થોપેડિક ડોક્ટરો સાંધો બદલવાની સલાહ આપે છે. કાર્ડમાં મફત ઓપરેશન થતું હોવાથી ગરીબ દર્દીઓ તરત જ તબીબોની સલાહ માનીને ઓપરેશન કરાવી લે છે. જો આરોગ્ય વિભાગ આ મામલે તપાસ કરે તો આર્થોપેડિક હોસ્પિટલોમાં પણ ખ્યાતિકાંડ જેવું કૌભાંડ સામે આવી શકે છે. રાજ્યમાં હવેથી કોઈ હોસ્પિટલ કે ડોક્ટરો ખોટી રીતે સરકારી યોજનાનો લાભ ન લઈ જાય તે માટે થોડા જ દિવસોમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે અને તેનો ચુસ્ત અમલ પણ કરાશે.
આ પણ વાંચોઃ ઝાંસી મેડિકલ કોલેજ આગકાંડના રિપોર્ટમાં શું થયો મોટો ખુલાસો? જાણો