વાપીમાં સરાજાહેર ખેલાયો ખુનીખેલ, ભાજપ ઉપપ્રમુખની જાહેરમાં હત્યાથી ખળભળાટ
વાપીના રાતામાં ભાજપના ઉપ પ્રમુખની ફાયરિંગ કરી હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે. ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન તેમની ગોળી મારીને હત્યા કરી દેવામા આવી છે.
વાપીમાં ભાજપ ઉપપ્રમુખની હત્યા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સરેઆમ હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ જાહેરમાં હત્યા કરીને ફરાર થઈ જતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો વાપીમાથી બહાર આવ્યો છે. વાપીમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી ઘટના સામે આવી છે. જેમાં વાપીના રાતા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની સરેઆમ ગોળી મારીને હત્યા કરી દેવામા આવી છે.
અજાણ્યા શખ્સો ગોળી મારીને ફરાર
મળતી માહીતી મુજબ વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન વાપીના રાતા ગામે બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. અને શૈલેષ પટેલની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં શૈલેષ પટેલને ગોળી વાગતા તેઓ ત્યાજ ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસે હાથ ધરી
આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આ હત્યારાઓને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે.
આ પણ વાંચો : કેરળના મલપ્પુરમમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના, અત્યાર સુધીમાં 22ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ