ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતધર્મ

પાટણના સંડેરમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ થશે, 22 ઑક્ટોબરે ભૂમિપૂજન

Text To Speech
  • શ્રી નરેશભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રીમતિ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં આઠમાં નોરતે થશે ભૂમિપૂજન
  • 2 હજાર સ્વયંસેવકો ખડેપગે રહેશે
  • બાલીસણાથી સંડેર સુધી પગપાળા યાત્રા અને રક્તદાન કેમ્પ પણ યોજાશે

સંડેર, પાટણઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે શ્રી ખોડલધામ મંદિર પરિસરના નિર્માણ બાદ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. તે અંતર્ગત ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સંડેર ગામે અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે.

શ્રી ખોડલધામ સંકુલ સંડેરનો ભૂમિપૂજન સમારંભ આગામી તારીખ 22 ઓક્ટોબરને રવિવારે આઠમા નોરતાના પાવન દિવસે યોજાશે. જેમાં શ્રી નરેશભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો, જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ, અને લેઉવા પાટીદાર સમાજના લોકોની ઉપસ્થિતિ રહેવાની છે.

આગામી તારીખ 22 ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન ભક્તિસભર લોકડાયરો યોજાશે. ત્યારબાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના રાજકીય-સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રી ખોડલધામ સંકુલ સંડેરનું ભૂમિપૂજન કરવામાં આવશે.

સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક, આરોગ્ય, કૃષિલક્ષી ભવનોનું નિર્માણ થશે. જેનો લાભ સર્વે સમાજના જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાની શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની નેમ છે.

આ ઉપરાંત શ્રી ખોડલધામ સંકુલ સંડેરના ભૂમિપૂજન સમારંભ દરમિયાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનમાં 2 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહીને સમગ્ર વ્યવસ્થા સંભાળશે.

આ પણ વાંચોઃ રાજકોટ : પ્રથમ નોરતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા મહત્ત્વની જાહેરાત

Back to top button