JEE Mainના વિદ્યાર્થીઓ માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા Target 99 Percentile પ્રોગ્રામનું આયોજન
- પ્રોગ્રામમાં સમગ્ર દેશની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે
કાગવડ, 22 નવેમ્બર: રાજકોટના કાગવડ ગામમાં આવેલા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા JEE Mainના વિદ્યાર્થીઓ માટે Target 99 Percentile પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં સમગ્ર દેશની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પ્રોગ્રામ ચલાવવામાં આવશે.
પ્રોગ્રામ વિશે જાણો
વર્તમાન સમયમાં સમાજની અંદર અભ્યાસનું મહત્ત્વ ખુબ વધતું જાય છે, અને એમાં પણ ધોરણ 12 સાયન્સમાં બાળક હોય તો બાળક તથા તેમના મા-બાપ પણ પરીક્ષાને લઈને સતત તણાવમાં રહેતા હોય છે. જેના લીધે છેલ્લી ઘડીએ બાળકો હિંમત હારી જાય છે અને પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકતા નથી. સમાજના આવા જ સર્વે ભાઈઓ તથા બહેનોને ધ્યાનમાં રાખીને હરહંમેશ સેવાર્થે અગ્રેસર રહેતું કાગવડનું ખોડલધામ ટ્રસ્ટ આ વખતે પણ ધોરણ 12 સાયન્સના A ગ્રુપના વિદ્યાર્થીઓ કે જેઓ 2024ની જાન્યુઆરી JEE Mainની એટલે કે ‘First Attempt’ની તૈયારી કરતાં હોય તેમના માટે Target 99 Percentile નામનો એક રેન્ક બુસ્ટર પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે. સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ચલાવવામાં આવશે.
ફેકલ્ટી વિશે જાણો
રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે Target 99 Percentile કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશના શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા કે જેમની કોર ટીમમાં પ્રો. સુનિલ શર્મા ( Mentor of AIR 2 , 11 , 24 ), પ્રો. અંકિત અગ્રવાલ (B.Tech IIT Delhi, Gold Medalist, President Medal Awardee, Worked Along With Super 30 Programme), પ્રો. મોહરસિંઘ (B.Tech IIT, Roorkee – Mentor of AIR 10, 100 PR ), પ્રો. સુનિલ રાણા ( Indian Statistical Institute – Banglore&Leiden University- Norway)દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમ હેઠળ કોર ટીમ દ્વારા તૈયાર કરાયેલા 45 દિવસના સચોટ Daywise રિવિઝન પ્લાન કે જેમાં લેક્ચર, પ્રેક્ટિસ ક્લાસ, ટેસ્ટ સિરીઝ, હોમ વર્ક ટ્રેકિંગની સાથે માતા-પિતાને નિયમિત Follow-up આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરીને તેમની પસંદગી કરવામાં આવશે.
આ પણ જૂઓ: વિકસિત ભારત યંગ લીડર્સને મળશે PM મોદી, જાણો કેવી રીતે